રોડની વચ્ચે આડેધડ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત

કેશોદથી બાઇકમાં વાડીએ જતી વખતે અકસ્માત નડ્યો, ટ્રકચાલક સામે ફરિયાદ

જૂનાગઢ : કેશોદના ચાંદીગઢના પાટીયા પાસે જગદિશ મીલની સામે રોડ ઉપર કેશોદથી બાઇકમાં વાડીએ જઈ રહેલા યુવાનને જીવલેણ અકસ્માત નડ્યો હતો. જેમાં રોડની વચ્ચે આડેધડ પાર્ક કરેલા ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશ્ર્વિનભાઈ બાલુભાઈ કાછડીયા (ઉ.વ.૫૦ રહે. કેશોદ, માંગરોળ રોડ, શ્રીનાથજી ગૌશાળા સામે, વાડી) એ આરોપી
ટ્રક નં. GJ 25 T 9439 ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૬ના રોજ ફરીયાદીના નાનાભાઈ બિપિનભાઈ બાલુભાઈ કાછડીયા (ઉ.વ.૪૫, રહે. કેશોદ) પોતાનું GJ-11-DD-0011 નંબરનું બાઈક લઇને કેશોદ ગામમાંથી વાડીએ આવતા હતા. તે દરમ્યાન રોડ ઉપર ટ્રક નં. GJ25T-9439 ના અજાણ્યા ચાલકે પોતાનો ટ્રક ગફલત અને બેદરકારી રીતે રોડની વચ્ચે ઉભો રાખી રાતના સમયે ઈન્ડીકેટર ચાલુ ન રાખી અકસ્માત થાય તેમ ઉભુ રાખેલ હોય જે ટ્રક સાથે બિપીનભાઈનું બાઈક ભટકાઈ જતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.