જૂનાગઢ ખામધ્રોળ બાયપાસ ઉપર ફાર્મ હાઉસમાં દીપડો ઘુસી આવ્યો

સક્કરબાગ ઝુના અધિકારીઓ દ્વારા દીપળાને બેભાન કરી રેસ્ક્યુ કરાયો

જૂનાગઢ : જૂનાગઢ બાયપાસ રોડ ઉપર ખામધ્રોળ નજીક એક ફાર્મ હાઉસમાં દીપડો ચડી આવ્યો હતો અને કુવાની ઓરડીમાં ઘુસી જતા ફાર્મ હાઉસ માલિકે સમય સૂચકતા વાપરી દીપડાને પુરી દેતા સક્કરબાગ ઝુ ના અધિકારીઓ દ્વારા દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ બાયપાસ રોડ ઉપર ખામધ્રોળ ગ્રામ્ય વિસ્તારમાં આજે દિવ્યેશભાઈ નામની વ્યક્તિના ફાર્મ હાઉસમાં કામ કરતા ખેત શ્રમિક ઉભા પાકને પાણી પીવડાવવા કુવાની ઓરડીમાં મોટર ચાલુ કરવા જતા ઓરડીની કાંધી ઉપર દીપડો બેઠો હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેને પગલે શ્રમિક મહિલાએ તુરત જ સમય સુચકતા વાપરી દીપડાને કુવાની ઓરડીમાં પુરી દઈ વનવિભાગને દીપડા અંગે જાણ કરતા સક્કરબાગ ઝુ ના અધિકારીઓ વેટરનરી ડોક્ટરની ટીમ સાથે ખામધ્રોળ દોડી આવ્યા હતા.

દરમિયાન સક્કરબાગ ઝૂ ના વેટરનરી ડોકટર રિયાઝ કડીવાર દ્વારા સાવધાની પૂર્વક આ દિપડાને ટ્રાન્કવિલાઈઝર ઇન્જેક્શન મારી બેભાન કરી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ખામધ્રોળ વાડી વિસ્તારમાં આજે દીપડાએ બે બકરાનું મારણ પણ કર્યું હતું અને અવાર નવાર રાની પશુ અહીં હુમલો કરવા ચડી આવતા હોય સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી માટે દિવસે પાવર આપવા માંગ ઉઠાવી હતી.