જૂનાગઢમાં ફરી બાળકોના કીલકીલાટ થી ગુંજી ઉઠ્યા આંગણવાડી કેન્દ્રો

જૂનાગઢ : કોરાના સંક્રમણના કારણે છેલ્લા 2 વર્ષથી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા.કોરોનાના કેસ ઘટતા જ ગુજરાતની તમામ આંગણવાડી કેન્દ્રો રાબેતા મુજબ શરૂકરવા માટે સરકારે નિર્ણય કર્યો હતો.એ મુજબ ફરી એકવાર જૂનાગઢની તમામ આંગણવાડી કેન્દ્રો બાળકોના કીલકીલાટથી ગુંજી ઉઠ્યા છે.

કોરાના સંક્રમણ ઓછુ થતા ગત તા.૧૭ને ગુરૂવારથી ગુજરાતની તમામ આંગણવાડી કેન્દ્રો રાબેતા મુજબ શરૂ કરવા માટે સરકારનો નિર્ણય થતા જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી જૂનાગઢ(ગ્રામ્ય)ની કુલ ૧૨૪૯ આંગણવાડીઓમાં વાલીઓની સંમતીથી બાળકોને બોલાવવામાં આવ્યા હતા.બાળકોના કિલકિલાટથી આંગણવાડીઓ ગુંજી ઉઠી છે.આંગણવાડીઓમાં કોવીડ-૧૯ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને બાળકો આંગણવાડી કેન્દ્રો પર આવે છે.સાથે સેનીટાઈઝારથી હાથ સાફ કરાવી,કુમકુમ તિલક અને ફૂલ,ફુગ્ગા તેમજ મીઠાઈ વગેરેથી બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.બે વર્ષના વિરામ બાદ આંગણવાડીઓમાં બાળકોએ મનમુકીને ખેલકુદ કરી,ગમ્મત સાથે જ્ઞાન મેળવી સવાર અને બપોરનું પુરક પોષણ લઇ તેમજ પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓ ઉત્સાહથી કરી આંગણવાડીમાં જાણે કે પ્રાણ પુરાયા હોય તેવી અનુભુતી થઇ રહી હતી.