ભવનાથ મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ભાવિકો ભજન સાથે લોકસાહિત્ય માણશે

જૂનાગઢ : જૂનાગઢમાં ભવનાથ મેળાની તૈયારી અંતે આરે છે.શિવરાત્રી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભજન,ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીના લોકમેળામાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા.26,27,28ના રોજ ત્રણ દિવસ સાંજના 6:30 કલાકથી જાણીતા કલાકારો દ્વારા ભાવિકોને ભજન સાથે લોકસાહિત્યની રસ લહાણ માણવા મળશે.ભવનાથ ખાતે મંગલનાથ બાપુની જગ્યા સામે વિશાળ સ્ટેજ પર જિલ્લા તંત્ર દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉલ્લેખનીય છે કે ભવનાથ મેળામાં વિવિધ ઉતારા સાધુ-સંતોની જગ્યાઓમાં મેળા દરમિયાન ભાવિકો ભજન સાથે ભક્તિમાં તલ્લીન બની જાય છે.