મહાશિવરાત્રી મેળા સંદર્ભે ટ્રાફીક નિયમન માટે રસ્‍તાઓ વન-વે તથા નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયા

જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૧/૦૩/૨૦૨૨ સુધી પરંપરાગત રીતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની સંખ્‍યામાં યાત્રાળુઓ એકઠા થવાની સંભાવના હોય ટ્રાફીક નિયમન કરવા તથા સાવચેતીના પગલા લેવાનું અનિવાર્ય જણાતા જૂનાગઢ જિલ્‍લા અધિક મેજિસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા તેમને મળેલ અધીકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૧/૦૩/૨૦૨૨ સુધી (નીચે મુજબના (એ)માં જણાવેલ રસ્‍તાઓ વન-વે જાહેર કરવા તથા (બી)માં જણાવેલ રસ્‍તાઓ ઉપર વાહનો પાર્ક નહીં કરવા માટે ’’નો-પાર્કિગ’’ જાહેર કરવા ફરમાન કરેલ છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

વન-વે જાહેર કરાયેલ રસ્‍તાઓ ,

૧. ભરડાવાવ થી સોનાપુરી ત્રણ રસ્તા ફકત જૂનાગઢ શહેર તરફથી ભવનાથ તળેટી પ્રવેશ માટે
૨. સોનાપુરી ત્રણ રસ્તાથી ગિરનાર દરવાજા તરફ ફકત જૂનાગઢ શહેર તરફ જવા માટે
૩. પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગીરનાર તળેટી જવા માટે ભરડવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે.તેમજ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહનો પર્ક કરવાના રહેશે.
૪. ગીરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગીરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે.
૫. મહા શિવરાત્રી દરમ્યાન યાત્રાળુઓ તથા સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે અને મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહી.
૬. મહા શિવરાત્રીનાં દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક ૧૦-૦૦થી અવર જવર માટે પ્રતિબંધ રહેશે.
૭. છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ જતા વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.
૮. ગીરનાર દરવાજા થી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફક્ત જવા માટે બંધ)
૯. સોનાપુરીથી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફક્ત જવા માટે બંધ)

ટ્રાફીક જામને રોકવા’’ નો-પાર્કિંગ ’’ જાહેર કરાયા

૧. કાળવાથી દાતાર રોડ, કામદાર સોસાયટી થી ગીરનાર દરવાજા, ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો-પાર્કિંગ.
૨, મોર્ડન ચોકથી જવાહર રોડ, સ્‍વામી મંદિર, સેજનીટાંકી, ગીરનાર દરવાજા સુધી.