માસ્ક પહેરીને બિન્દાસ્ત મહાશિવરાત્રી મેળો માણજો : ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા

મહાશિવરાત્રી મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ : યાત્રિકોની સુવિધા માટે મહાપાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડી કઢાયો

જૂનાગઢ : રાજ્યમાં કોરોના મહામારીને પગલે મેળા ઉત્સવોની મજા બગડી ગયા બાદ બે વર્ષના લાંબા અંતરાલે પ્રથમ મેળા રૂપે જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે ત્યારે આજે જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ યાત્રિકોને મોજથી મેળો માણવા અનુરોધ કરવાની સાથે માસ્ક જરૂરથી પહેરવા ભાર પૂર્વક અપીલ કરી હતી.

આજે મહા શિવરાત્રી મેળાની તૈયારીને લઈ જૂનાગઢ મહાનગર પાલિકાના અધિકારીઓ અને ઓદાધિકારીઓએ મેળાની તૈયારીને લઈ ભવનાથની મુલાકાત લીધી હતી. આ તકે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા રાઉન્ડ ધ કલોક મેળામાં સફાઈ કામગીરી કરવામાં આવશે ઉપરાંત તમામ આશ્રમોમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુમાં મેળામાં પાંચ હાઈ માસ્ક ટાવર સાથે તમામ સ્થળોને આવરી લે તેવી સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરી યાત્રિકો માટે 50 સ્થળોએ 5000 લીટર પાણીની ટાંકી મૂકી યાત્રિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવી સતત હેલ્થ ટીમો પણ મેળામાં ફરજ બજાવનાર હોવાનું ઉમેર્યું હતું.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, મહા શિવરાત્રીનો મેળો ગરીબો માટેનો છે, અહીં આવતા શ્રમિકો, અને ધંધાર્થીઓ છૂટથી હરે ફરે અને ખિસ્સામાં પૈસા હોય કે ન હોય મેળો મહાલે તે માટે તમામ ધાર્મિક સ્થાનોમાં ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ત્યારે મેળો માણવા આવતા તમામ નાગરિકોને કોરોના ગાઈડ લાઇન મુજબ મોઢા ઉપર માસ્ક પહેરી બિન્દાસ્ત મેળો મહાલવા ભાર પૂર્વક જણાવ્યું હતું.