ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ જૂનાગઢની મુલાકાતે

બન્ને દેશો વચ્ચે વ્યાપાર વાણિજ્ય વધે તે માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ સાઈન કરવામાં આવ્યું

જૂનાગઢ : જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આમંત્રણને સ્વિકારી ઈન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ હિઝ એક્સેલંસી અગુસ સાપ્તોનો ત્રણ દિવસની જૂનાગઢ મુલાકાતે આવેલા હતા અને બન્ને દેશો વચ્ચે વ્યાપાર વાણિજ્ય વધે તે માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ સાઈન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ મુલાકાત દરમિયાન તા. 20ના રોજ અક્ષર મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં પૂ. કોઠારી સ્વામી એ આશીર્વાદ આપ્યા હતા અને કોંસુલેટ જનરલે બંને દેશ વચ્ચેના હજારો વર્ષ જુના સાંસ્કૃતિક સંબધોને યાદ કર્યા હતા. જ્યારે તા.21ના રોજ સવારે અગ્રિકલચર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં ફુડ ટેસ્ટિંગ લેબોરેટરી, મ્યુઝિયમ તથા વિવિધ વિભાગો જોઇને કૃષિ યુનિવર્સીટી દ્વારા થઈ રહેલ કામગીરી જાણી હતી. કુલપતિ દ્વારા વિવિધ વિભાગોના વડાઓ અને રિસર્ચ સાયન્ટિસ્ટ તથા ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો સાથે મીટિંગ કરી હતી અને ટેકનોલોજી તથા સંશોધનોના આદાન પ્રદાન માટે ઈન્ડોનેશિયા ની યુનિવર્સિટી સાથે સંકલન ની વાત કરી હતી.

તા 21ના સાંજે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઈન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ સાથે જૂનાગઢના ઉદ્યોગકારોની ઇન્ટરેક્ટીવ મિટીંગ યોજાઈ હતી જેમાં જૂનાગઢ જિલ્લાના ઉદ્યોગકારો ઊપરાંત કૃષિ યુનિના કુલપતિ, જિલ્લા ઉઘોગ કેન્દ્રના જનરલ મેનેજર, જિલ્લા માહીતિ અધિકારી, ઇન્ડો- અમેરિકન ચેમ્બરના પ્રમુખ સૌરભ શાહ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી પી વૈષ્ણવ, સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટ સોની, ઉતર ગુજરાત ચેમ્બરના પ્રમુખ શિવરામભાઇ પટેલ અને જૂનાગઢ જિલ્લાની કેશોદ, ઊના તથા વડાલ ચેમ્બરના હોદેદારો હાજર રહ્યા હતાં.

આ મિટીંગમાં જૂનાગઢ ચેમ્બરના મંત્રી સંજય પુરોહીત દ્વારા જૂનાગઢ વિસ્તાર અને ઈન્ડોનેશિયા વચ્ચે વેપારના વિકાસની તક વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. ઈન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલ દ્વારા ઉદ્યોગકારોને ઈન્ડોનેશિયામાં વેપાર ઉદ્યોગની તક વિશે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. ઉદ્યોગકારોએ રસ પૂર્વક ચર્ચામા ભાગ લીધો હતો.

વધુમાં સૌરાષ્ટ્રમાંથી મગફળી, સોયાબીન, એરંડા વગેરે તેલીબિયાં તથા તેલ, મરચું, ધાણા, ડુંગળી, લસણ વગેરે મસાલા, કેરી, બેરિંગ, પ્લાસ્ટીક પ્રોડક્ટ વગેરેનું મોટાં પ્રમાણમાં એક્સપોર્ટ થાય છે અને ઈન્ડોનેશિયા તેલીબિયાં તથા તેના તેલનુ મોટાં પ્રમાણમાં ઇમ્પોર્ટ કરે છે. વળી ઈન્ડોનેશિયા પામ તેલની ખુબ નિકાસ કરે છે જ્યારે આપણે પામ તેલની આયાત કરી એ છીએ જેથી બન્ને રાષ્ટ્ર વચ્ચે વેપારની પુષ્કળ તકો રહેલી છે.

આ મુલાકાતની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડોનેશિયાના કોનસ્યુલેટ જનરલ દ્વારા બન્ને વચ્ચે વેપાર વધે તે માટે સાથે મળીને પ્રયાસો કરશે અને ઇન્ડોનેશિયાની સમકક્ષ ચેમ્બર સાથે સંકલન કરવામા આવશે તે બાબત એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ સાઈન કરવામાં આવ્યું હતું અને પ્રમુખ વિજયભાઈ દોમડીયા, મંત્રી સંજય પુરોહીત તથા સહમંત્રી મહેશ દેસાઇએ ઇન્ડોનેશિયાના કોન્સ્યુલેટ જનરલને આપ્યું હતું.

આવી જ રીતે જૂનાગઢ કૃષિ યુનિ સાથે ઇન્ડોનેશિયાની કૃષિ યુનિવર્સીટીનુ સંકલન કરી ટેકનોલોજી, રિસર્ચ અને શિક્ષણ, ખાસ કરીને પામ ના ઉત્પાદન માં સહયોગ મળે તે માટે એક્સપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ સાઈન કરવામાં આવ્યું હતું અને કુલપતિ દ્વારા આપવામાં આવ્યુ હતું.

જુનાગઢના વિકાસ માટે સતત પ્રયત્નશીલ જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી પ્રમુખ વિજયભાઈ દોમડીયા અને મંત્રી સંજય પુરોહીતના માર્ગદર્શનમાં સહ મંત્રી મહેશ દેસાઇ, સેહુલભાઈ કિકાણી, અન્ય કારોબારી સભ્યો, રાકેશભાઈ પાઉં, ભાવિન ભાઇ છત્રાલા વગેરેએ મહેનત કરી ઇન્ડોનેશિયા સાથે જૂનાગઢ ના વેપારની એક નવી દિશા ખોલી છે અને આવનારા દિવસોમાં તેનો સારો એવો ફાયદો થશે જ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.