મહા શિવરાત્રી મેળા માટે એક્શન પ્લાન ઘડી કાઢતી જૂનાગઢ પોલીસ

પાર્કિંગ માટે સાત જગ્યા નક્કી કરાઇ : બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરી તૈયારીઓ શરૂ

જૂનાગઢ : જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોઈ તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરું આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે.

આગામી શિવરાત્રી મેળામા બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર.પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી.ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે.બોદર, સહિતના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વ્યવસ્થા માટે પણ ખાસ એક્શન પ્લાન હાથ ધરવામાં આવેલ છે.

શિવરાત્રી મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે આ મેળામાં માનવ મેદની એકત્રિત થતી હોય, વાહનો પણ પુષ્કળ પ્રમાણમાં આવતા હોય, પાસ વગરના વાહનોને સ્મશાન ત્રણ રસ્તાથી આગળ જવા દેવામાં આવશે નહીં. આ મેળા બંદોબસ્ત દરમિયાન ટ્રાંફિક બંદોબસ્ત માટે પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત માટે તૈયારીઓ શરૂ કરી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે, ટ્રાફિક બાબતે કોઈ અગવડતા ઉભીના થાય અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા ટ્રાફિક બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવેલ છે. મેળા બંદોબસ્ત દરમિયાન મેળામાં બહારથી આવતા વાહનોના પાર્કિંગ માટે (1) શશીકાંત દવે ની વાડી, (2) કાળુભાઇ સુખવાણીની વાડી, (3) અશોક બાગ આંબાવાડી, (4) ડોલરભાઈ કોટેચાની વાડી, (5) નીચલા દાતાર પાર્કિંગ, (6) વૃદ્ધઆશ્રમ અપના ઘરની સામે તેમજ (7) જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ટ્રાફિક શાખાના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા જુનાગઢ શહેર તેમજ ભાવનાથ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા માટે અલગ પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ ફાળવી અલગ ટ્રાફિક બંદોબસ્ત માટે સ્કીમ તૈયાર કરવામાં આવેલ છે. આવશ્યક ચીજ વસ્તુ હેરફેર કરતા વાહનો, આશ્રમ તેમજ અખાડાના વાહનો, પદાધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓના વાહનો, ઉતારા મંડળના વાહનો, વિગેરે માટે વાહનોના પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જ્યારે ખૂબ ભીડ થાય છે, ત્યારે પાસ વાળા વાહનો પણ મેળા વિસ્તારની બહાર રાખવા ફરજ પડે છે અને પ્રવેશ આપવામાં આવતો નથી. એજ રીતે એસટીની મિનિ બસ અને ઓટો રિક્ષાઓને પણ ભીડ વધતા બંધ કરવામાં આવે છે અને સ્મશાન ત્રણ રસ્તા સુધી જ મંજૂરી આપવામાં આવે છે.