ભક્તિ, ભજન અને ભોજનના સંગમ સમા શિવરાત્રી મેળામાં ભાવિકોને મહેમાન બનાવવા અનેરો ઉત્સાહ

વિવિધ આશ્રમો, ધાર્મિક જગ્યા દ્વારા ભાવિકોને પ્રસાદ, સંતવાણીનો લાભ લેવા અનુરોધ

જૂનાગઢ : વિશ્વ વિખ્યાત અને ભારે આસ્થા તેમજ ભક્તિ, ભજન અને ભોજનના સંગમ સમા જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રી મેળામાં ભાવિકોને મહેમાન બનાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ આશ્રમો, ધાર્મિક જગ્યા દ્વારા ભાવિકોને અનેરી ભક્તિ સાથે ઉતારામાં પ્રસાદ, સંતવાણીનો પ્રબંધ કરવામાં આવ્યો છે. આથી 25 ફ્રેબ્રુઆરીથી 2 માર્ચ સુધી જૂનાગઢમાં ઠેરઠેર ઉતારામાં ભજન, ભોજન અને ભક્તિની આહલેક જગાવવામાં આવશે.

જૂનાગઢના ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ મહાશિવરાત્રીના મેળા આવનારા માનવ મહેરામણ માટે ભવનાથના તમામ સાધુ સમાજ, ધાર્મિક સ્થાનો દ્વારા પોતાના ઉતારા ખુલ્લા મુકવામાં આવ્યા છે અને ઉતારામાં ભાવિકો માટે ભજન-સંતવાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો તમામ ભાવિકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મહાશિવરાત્રીના મેળા માટે લક્ષ્મણ બાપુના ઉતારામાં સાવીજનીક અન્નક્ષેત્ર અને ભજન-સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.25 ફ્રેબ્રુઆરીથી 1 માર્ચ સુધી આસોપાલવ પાર્ટી પ્લોટ ભારતી આશ્રમની બાજુમાં ભવનાથ તળેટી ખાતે દરરોજ ભાવિકો માટે ભજન સાથે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. તેમજ સંત નારાયણસ્વામી આશ્રમ, લબે હનુમાનજી મંદિરની સામેની ગલીમાં હરસુખગિરી ગૌસ્વામી બાપુના ઉતારામાં ભવનાથ તળેટી ખાતે તા.25 ફ્રેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ભજન-ભોજનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત પ્રજાપતિ વાડીની સામે ભારતી આશ્રમ સામે ભવનાથ તળેટી સંત રામદાસજીના ઉતારામાં સંતવાણી અને પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે.