જૂનાગઢ જિલ્લામાં ઢોર ઉઠાવગીર ટોળકી સક્રિય, વધુ બે પાડા-પાડીની ચોરી

માંગરોળ વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ શાપુર ગામેં બનેલા બનાવની માલધારીએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હમણાં છેલ્લા કેટલાક સમયથી એક ખાસ ઢોર ઉઠાવગીર ટોળકી સક્રિય થઈ હોય એમ ગ્રામ્ય વિસ્તારમાં દુઝણા પશુઓના બછડાની ઉપરા છાપરી ચોરોની ઘટનાઓ વધી રહી છે. આવા જ એક વધુ બનાવમાં માંગરોળ વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ શાપુર ગામેં આ ટોળકીએ પાડા-પાડીની ચોરી કર્યાની વિગતો પ્રકાશમાં આવી છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી યોગેશભાઇ હરીભાઇ કરગઠીયા (ઉ.વ.૩૦ રહે.શાપુર, વેરાવળ રોડ, શારદાગ્રામ પાસે વાડી વિસ્તાર, તા.માંગરોળ) એ કોઇ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ માંગરોળ વેરાવળ હાઇવે રોડ, શાપુર ગામ સીમ વિસ્તારમાં આરોપીઓએ ફરીયાદીના ખુલ્લા ફળીયામાંથી ઢોર જેમા પાડો કી.રૂ.૧૦૦૦૦ તથા પાડી કી.રૂ.૧૫૦૦૦ ની ચોરી કરી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાંથી જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારોમાં દુઝણા પશુઓની ચોરીની ઘટનાં વધી રહી છે. ખાસ કરીને કોઈ ચોક્કસ પ્રકારની એક ટોળકીનું આ કારસ્તાન હોવાની શક્યતા છે. દુઝણા પશુઓના બછડાની ચોરી કરીને ક્યાં કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે ? તે સહિતની બાબતે પોલીસ ઉડી તપાસ કરે તો ખરેખર આ દિશામાં મોટું રેકેટનો પર્દાફાશ થાય એમ છે.