આ પ્લોટ અમારો છે તમારે અહીં આવવુ નહી કહી યુવાનને લાકડી ફટકારી

શીલ ગામે પુરૂષાર્થ હોટલની બાજુમાં મારામારીના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના શીલ ગામે પુરૂષાર્થ હોટલની બાજુમાં આ પ્લોટ અમારો છે તમારે અહીં આવવુ નહી તેમ કહી બે શખ્સોએ યુવાનને લાકડી ફટકારીને માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સંજયભાઈ પરબતભાઈ કોડીયાતર (ઉ.વ.૨૫ રહે.શીલ ગામ, પોલીસ સ્ટેશન પાછળ તા.માંગરોળ) એ આરોપીઓ અરજણભાઈ ડાયાભાઈ કોડીયાતર, હરેશભાઈ ડાયાભાઈ કોડીયાતર (રહે.બન્ને શીલ ગામ તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા સાહેદ ગઈકાલે શીલ ગામે પુરૂષાર્થ હોટલની પાસે પોતાની વર્ષો જુની પડતર જગ્યા કે જે જ્ગ્યાનો કબ્જો ફરીયાદી પાસે હોય તે જગ્યાએ સાફ-સફાઈ કરવા માટે ગયેલ તે વખતે આરોપીઓએ ત્યાં આવી ફરીયાદી તથા સાહેદને કહેવા લાગેલ કે આ પ્લોટ અમારો છે, તમારે અહીં આવવુ નહી તેમ કહી ફરીયાદી તથા સાહેદ સાથે ઝપાઝપી કરવા લાગેલ તેમજ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને લાકડી વડે માથાના ભાગે માર મારી તેમજ ફરીયાદીને વાસાના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.