કેશોદના પંચાળામાં ૧૫ વિધાના ખેતરમાં ચણાની ખાંડીને આગ ચાંપી દીધી

અગાઉ બણતર અને ચારો ઉઠાવી જનાર બે શખ્સોએ જ આ કૃત્ય કર્યાની શંકા સાથે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના પંચાળા ગામમાં ૧૫ વિધાના ખેતરમાં ચણાની ખાંડીને આગ ચાંપી દઈને મોટું નુકસાન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અગાઉ આ વાડીમાંથી બણતર અને ચારો ઉઠાવી જનાર બે શખ્સોએ જ આ કૃત્ય કર્યાની શંકા સાથે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હિતેષભાઇ બાબુભાઇ માલમ (ઉ.વ.૩૧ રહે.પંચાળા તા.કેશોદ) એ શકદાર રામભાઇ બાલાભાઇ મુછાળ તથા શકદાર કરશનભાઇ રીણાભાઇ મુછાળ (રહે.બન્ને પંચાળા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ખેતરમાં આશરે ૧૫ વિધાના ચણા આશરે ૧૦ ખાંડી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦ ને સળગાવી નુકશાની કરેલ હોય તેમજ ફરીયાદીને આ બાબતે શકદાર રામભાઇ બાલાભાઇ મુછાળ તથા શકદાર કરશનભાઇ રીણાભાઇ મુછાળ સામે શંકા હોય જેમાં અગાઉ શકદાર રામભાઇએ પોતાની વાડીએથી બળતર લઇ ગયેલ હોય તથા શકદાર કરશનભાઇએ પોતાની વાડીમાંથી ચારો ઉપાડી લીધેલ હોય જેથી આ કૃત્ય આ બન્નેએ કરેલ હોય તેવો પોતાને શક હોય જેથી આશરે ૧૫ વિધાના ચણા આશરે ૧૦ ખાંડી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦ ની સળગાવી નુકશાની કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.