મહાશિવરાત્રિના મેળા દરમિયાન આરોગ્યતંત્ર ખડે પગે રહેશે

એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે : પાંચ સ્થળોએ સર્વેલન્સ અને વેક્સિનેશન ટીમ

ત્રણ સ્થળે દવાખાના શરૂ થશે : મેડિકલ ઓફિસરો રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે

જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં તારીખ ૨૫ થી શરૂ થનાર ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન આધ્યાત્મિક મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ભાવિકો આ મેળો મન ભરીને માણી શકે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આરોગ્ય વિષયક પગલા લેવાયા છે.

કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે ભાવિકો મેળામાં જોડાઈ ત્યારે તેમને આરોગ્ય વિષયક સવલત આપવા ૮ એમ્બ્યુલન્સ ગિરનાર દરવાજાથી ભવનાથ ક્ષેત્રના દાયરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રામટેકરી, રોપવે અને સક્કરબાગ ઝૂ ખાતે વેક્સિનેશન તેમજ સર્વેલન્સ અને ટેસ્ટિંગ માટે આરોગ્ય ટીમ સતત ફરજ બજાવશે.

ભવનાથ મેળા ક્ષેત્રને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ઝોનલ ઓફિસ, ભવનાથ નાકોડા પીએચસી, ભારતી બાપુના આશ્રમ ખાતે આઇસીયુ સાથે એમ ત્રણ દવાખાના શરૂ કરાશે. જેમાં ચોવીસ કલાક મેડિકલ ઓફીસરો ફરજ બજાવશે. જેથી કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી શકાય.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલના સંકલનથી જિલ્લા કલેકટર રચિતરાજ, મ્યુનિસિપલ કમિશનર આર.એમ.તન્નાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.