કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં યોજાયેલી શિબિરમાં તજજ્ઞો દ્વારા પશુપાલકોને માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર કેશોદ ખાતે યોજાઇ હતી. જેમાં ખેડૂતોને પશુપાલન વ્યવસાયને લગતી અદ્યતન માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી દેવાભાઈ માલમ જણાવ્યું હતું કે હાલમાં ખેતી સાથે પશુપાલન વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકસી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ, નીતિઓ કાર્યરત કરીને પશુપાલનને આધુનિક બનાવવા તેમજ પશુપાલકોની આવક વધારવા માટે પ્રયાસો કરવામાં આવે છે. મંત્રી દેવાભાઈએ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓનો લાભ લેવા, વૈજ્ઞાનિક પદ્ધતિનો પશુપાલનમાં અમલ કરવા પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડો. કગથરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આધુનિક ઢબે પશુપાલન કરવાથી વધારાની આવક મેળવી શકાય છે. વર્ષોથી પશુપાલન થાય છે પણ અત્યારના સમયમાં પશુપાલન નફાકારક બનાવવા આધુનિક પદ્ધતી જરૂરી છે. તેમણે પશુ સંવર્ધન પશુ માટે કાર્યરત યોજનાઓ સહિતની જાણકારી પશુપાલકોને આપી હતી.

નાયબ પશુપાલન નિયામક ડો. ડી.ડી પાનેરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડુતો પશુપાલકો માટે સંવેદનશીલ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ રાષ્ટ્રની અને આપણી આવક વધારવા તથા આત્મનિર્ભર ભારત બનાવવા માં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ શિબિરમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, આરોગ્ય સમિતિના ચેરમેન પટોડીયા, સિંચાઇ સમિતિના ચેરમેન અતુલભાઈ ઘોડાસરા, જિલ્લા પંચાયતના સભ્ય કનુભાઇ ભાલાળા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોલંકી, પશુપાલન સમિતિના મનસુખભાઈ, ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઇ સોલંકી, ગૌરાંગભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ પરબતભાઇ સોલંકી ધર્મિષ્ઠાબેન, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, હમીરભાઇ, કેશોદ મામલતદાર, પ્રો.ઉષાબેન લાડાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.