ટ્રેકટર અને છકડો રીક્ષા વચ્ચે સાઈડ કાપવાની હરીફાઈમાં મહિલાએ જીવ ગુમાવ્યો, 18 ઘાયલ

ચોરવાડથી ગડુ તરફ જતા રોડ ઉપર વિસણવેલ ગામના પાટીયા નજીક છકડો રીક્ષામાં બેસીને લૌકિક કાર્ય પતાવી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો

જૂનાગઢ : ચોરવાડથી ગડુ તરફ જતા રોડ ઉપર વિસણવેલ ગામના પાટીયા નજીક છકડો રિક્ષામાં બેસીને લૌકિક કાર્ય માટે જઈ રહેલા પરિવારને ગઈકાલે અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેકટર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 18 વ્યક્તિને નાની માટી ઇજા પહોંચી હતી.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દિનેશભાઇ મેણસીભાઇ રાઠોડ (ઉ.વ.૩૭ રહે. કાલીંભડા તા.માળીયા હાટીના જી.જુનાગઢ) એ આરોપી ટ્રેક્ટરનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી પોતાની છકડો રિક્ષા નં.GJ-11-Z-8933 વાળી લઇને ચોરવાડ ગામે લૌકિક કામે ગયેલ હતા. અને ચોરવાડથી પરત જતા હતા. ત્યારે રોડ ઉપર આગળ જતા ટ્રેક્ટરની સાઇડ કાપવા જતા આ કામનાં ટ્રેક્ટરનાં ચાલક આરોપીએ પોતાનાં હવાલાનું ટ્રેક્ટર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી કાવો મારતા તેનું આગળનું મોટુ વ્હીલ નિકળી જતા ટ્રેક્ટરનાં ભોડાની હડફેટમાં આ ફરિયાદીની છકડો રિક્ષા આવી જતા રીક્ષાને પછાડી દેતા રિક્ષામાં બેઠેલ ફરિયાદી સહીત કુલ ૧૮ માણસોને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે રિક્ષામાં બેઠેલ સાહેદ જીજ્ઞાબેન રમેશભાઇ વાજા કોળી ઉ.વ.૩૫ રહે.માળીયા હાટીના વાળીને ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું.