જૂનાગઢમાં રાત્રીની સમયે અકસ્માતો અટકાવવા વાહનો પાછળ રીફલેક્ટરો લગાવાયા

વંથલી નજીક નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ અકસ્માત થયા હોવાથી કલેક્ટરે “ઉજાલા” અભિયાન શરૂ કર્યું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાને જોડતા હાઇવે ઉપર હમણાંથી માર્ગ અકસ્માતના બનાવો વધી ગયા છે. તેમાંય વંથલી નજીક નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ અકસ્માત થયા હોવાથી કલેક્ટરે અકસ્માતો અટકાવવા માટે વંથલી તાલુકાથી “ઉજાલા” અભિયાન શરૂ કર્યું છે અને રાત્રીની સમયે અકસ્માતો અટકાવવા વાહનો પાછળ રીફલેક્ટરો લગાવાયા છે.

જૂનાગઢ જીલ્લામાં હમણાંથી દરરોજ નાના મોટા અકસ્માત સર્જાઈ છે. તેમાંય રાત્રે અકસ્માતો વધી જાય છે. ખાસ કરીને રાત્રે અંધારું હોય આગળ જઈ રહેલું વાહન દેખાતું ન હોય અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. ત્યારે રાત્રીના સમયે અકસ્માતો અટકાવવા માટે કલેકટર દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જીલ્લા કલેકટર રચિત રાજએ “ઉજાલા” અભિયાનની જીલ્લાના વંથલી તાલુકાથી શરૂઆત કરી છે. જો કે, વંથલી તાલુકામાંથી નેશનલ હાઇવે પસાર થતો હોય છેલ્લા એક વર્ષમાં વંથલી તાલુકામાં રાત્રીના સમયે ૪૨ જેટલા નાના મોટા અકસ્માતની ઘટના બની છે. આથી રાત્રીના સમયે અકસ્માત અટકાવવાના પ્રયાસરૂપે ઓપરેશન ઉજાલા હાથ ધરવામાં આવ્યું છે અને માલ વાહક વાહનો પાછળ રેડીયમ રીફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે.