જૂનાગઢમાં સોની વેપારી સાથે સોનુ મેળવી દગો કરનાર બંગાળી કારીગર ઝડપાયો

ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો

જૂનાગઢ : જૂનાગઢના માલીવાડા રોડ પર સોની વેપારી પાસેથી ઘરેણા બનાવવા સોનુ મેળવી બંગાળી કારીગરે રૂ.૨૫,૧૦ લાખનો ચુનો લગાવીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં બંગાળી કારીગરે સોનુ મેળવી લીધા બાદ દાગીના કે રૂપિયા પરત ન કરતા અંતે તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. તેથી આ ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો હતો.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમીતભાઇ ચીમનભાઇ ભીંડી (ઉ.વ.૨૯ રહે. આંબાવાડી શ્રીનાથજી ફ્લેટ બ્લોક નં-૩૦૨ કેશોદ) એ આરોપી તારકભાઇ નાગેન્દ્રભાઇ પોરે (રહે. ગામ સીતાપુર પશ્વીમ બંગાળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭/૦૯/૨૧થી તા.૧૭/૦૨/૨૨ દરમિયાન માલીવાડા રોડ વિનાયક વોચ નામની ઘડીયાળની દુકાનની ઉપરના માળે જુનાગઢ ખાતે બનેલા આ બનાવમાં આરોપીએ આ કામના ફરીયાદી સાથે પરીચય સબંધ બાંધી ફરીયાદીને વિશ્ર્વાસમાં લઇને છેતરપીંડી કરી હતી.

આરોપીને ફરીયાદીએ આપેલ હાથ ઉછીનુ તથા ગ્રાહકના ઓર્ડર પ્રમાણે ઘરેણા બનાવવા આપેલ ૪૧૫.૪૨૦ મીલીગ્રામ સોનુ જેની આ.કિ.રૂ. ૨૧,૦૪,૭૩૭ નુ પરત નહી આપી તથા સાહેદો યુનુસભાઇ મયુદ્દીનભાઇ શેખ તથા વીરેનભાઇ રમેશભાઇ ફીચડીયા રહે બન્ને જુનાગઢ વાળાઓ સાથે પણ આરોપીએ પરીચય સબંધ બાંધી તેઓને વિશ્ર્વાસમાં લઇ હાથ ઉછીનુ તથા ઘરેણાના બદલે શુધ્ધ સોનુ આપવા માટે આપેલ ૮૦ ગ્રામ સોનુ જેની આ.કિ.રૂ. ૪,૦૫,૪૮૦ નુ મળી કુલ સોનુ ૪૯૫.૪૨૦ મીલી ગ્રામ જેની આ.કિ.રૂ. ૨૫,૧૦,૨૧૭ નુ પરત નહી આપી ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરી હતી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

દરમિયાન આરોપી ભાડે વાહનમાં તેના પરિવાર સાથે વતન બોટાદ તરફ જતો હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ત્રાટકી હતી. આથી પોલીસની ટીમ બોટાદના રાણપુર ખાતે આવી સ્થાનીક પોલીસને જાણ કરી મદદ મેળવી સાથે રાખી પાટડા ગામ પાસેથી આરોપી તારકભાઇ નાગેન્દ્રભાઇ પોરેને પકડી પાડી રાઉન્ડ અપ કરી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી. તેની પાસેથી લેડીઝ બેગ ચેક કરતા ઉપરોકત ગુન્હાના કામે ગયેલ મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે જૂનાગઢ શહેર એ ડીવીજન પો.સ્ટે.ને સોંપી આપવામાં આવેલ છે. પોલીસે આરોપી પાસે સોનાના અલગ અલગ દાગીના મળી કુલ રૂ.4,78,394નો મુદામાલ રિકવર કર્યો હતો