જૂનાગઢ મનપાના જનરલ બોર્ડમાં બજેટને બહાલી અપાઈ

રૂપિયા 395.61 કરોડના બજેટને જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરાયું

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકાના શાસકો દ્વારા આજે યીજયેલા જનરલ બોર્ડમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ વધારાના 9 કરોડના કરવેરા ફગાવી દઈ પ્રજાજનોને કોરોના કાળમાં રાહત મળે તેવું હળવું ફૂલ બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં શાસક પક્ષ દ્વારા ખાસ કરીને ગિરનાર માટેની મહત્વકાંક્ષી યોજનાને પ્રવાસીઓ માટે ખૂબ જ ફળદાયી નીવડશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકામાં નવી બોડી રચાયા બાદ પ્રથમ વખત જનરલ બોર્ડ યોજાયું હતું.જેમાં મનપા દ્વારા સવાનુમતે જૂનાગઢ શહેરના વિકાસને નજર સમક્ષ રાખી રૂપિયા 395.61કરોડ રૂપિયાનું બજેટને મંજુર કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણાએ બજેટ મંજુર કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવાયેલ રૂપિયા 9 કરોડ જેટલો કરબોજ ના મંજુર કરી પ્રજાજનોની વર્તમાન સ્થિતિ નજરે લઈ કોઈ વધારાનો કરબોજ નાખવામાં આવ્યો નથી.

જૂનાગઢ મહાનગર પાલિકાના વર્ષ 2022 – 23ના બજેટમાં પહેલી વખત શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને લક્ષ્યમાં રાખી રૂપિયા 2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પ્રવાસન ઉદ્યોગને ધમધમતો કરવા ગિરનાર મહોત્સવ યોજવા પણ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

વધુમાં જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા બજેટમાં નળ કનેક્શનનો ચાર્જ રૂપિયા 3200થી ઘટાડી રૂપિયા 2000 કરવામાં આવ્યો છે અને લોકોને રૂપિયા 1200ની રાહત આપી જૂનાગઢ શહેર અને ઓજી વિસ્તારમાં જે અસામીઓ નળ કનેક્શન રદ કરવા ઇચ્છતા હોય તે પોતાના કનેક્શન રદ્દ પણ કરાવી શકશે.

દરમિયાન મહાનગર પાલિકાના શાસકો દ્વારા બજેટમાં વેરા વસુલાત માટે રેગ્યુલર વેરો ચૂકવતા નાગરિકોને 10 ટકા રિબેટ યોજનાનો લાભ આપવાની સાથે ઓનલાઈન વેરો ભરે તે નાગરિકોને વધુ બે ટકા છૂટ આપવામાં આવશે તેવું જાહેર કરાયુ છે.

મહાનગર પાલિકાના વર્ષ 2022-23ના બજેટ મંજૂરી પ્રક્રિયા સમયે મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર, ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના પદાધિકારીઓ અને નગર સેવકો હાજર રહ્યા હતા.