જૂનાગઢની આંગણવાડીઓમાં ફરી બાળકોનો ખીલખીલાટ ગુંજી ઉઠ્યો

કોરોનાની સ્થિતિ હળવી થતા સરકારના નિર્ણયને પગલે ફરી આંગણવાડીઓ શરૂ થઈ

જૂનાગઢ : કોરોનાની સ્થિતિ હળવી થતા સરકારના નિર્ણયને પગલે ફરી આંગણવાડીઓ શરૂ થઈ છે. આથી જુનાગઢ મહાનગરપાલિકા હેઠળની આઈ.સી.ડી.એસ. શાખાની તમામ આંગણવાડીઓમાં બાળકોના ખીલખીલાટ ગુંજી ઉઠ્યો હતો અને બાળકોના કલરવથી આંગણવાડીઓનું વાતાવરણ પ્રફુલ્લિત બન્યુ હતું.

કોરોના સંક્રમણની ગતી ઓછી થતા ગુરૂવારથી ગુજરાતમાં તમામ આંગણવાડીઓને રાબેતા મુજબ નિયમીત શરૂ કરવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા જૂનાગઢ (અર્બન)ની તમામ આંગણવાડીઓમાં પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ યોજના અધિકારી, સુપરવાઇઝરના મોનીટરીંગથી આજરોજ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં રહી બે વર્ષ બાદ આંગણવાડી ખાતે આવેલા નાના ભૂલકાઓનું કોવીડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ બે ગજનું અંતર, સેનેટાઇઝર દ્વારા હાથ સાફ કરાવી તમામ બાળકોને પુષ્પ ગુચ્છ આપી બાળકોનું મો મીઠું કરાવી તમામ આંગણવાડીના બાળકોને ઉત્સાહભેર આવકારી આંગણવાડીઓ શરૂ કરવામાં આવેલ. જેથી બે વર્ષના વિરામ બાદ આંગણવાડીમાં આવેલ બાળકોએ પણ મન મુકીને ખુલકૂદ કરી મજા માણી હતી. આમ જૂનાગઢ(અર્બન)ની તમામ આંગણવાડી ફરીવાર ચાલુ થતા વાલીઓમાં તેમજ બાળકોમાં પણ ભારે ઉત્સાહની લાગણી જોવા મળી છે.