ધોરાજીની આસ્થાએ યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ.63 હજાર પડાવ્યા

મહિલાએ પહેલા શેટીઓ ખરીદીને પૈસા ન આપવા પડે એ માટે યુવાનને વોટ્સએપમાં રોમેન્ટિક વાતો કરી જુનાગઢ બાયપાસ ધોરાજી ચોકડી પાસે મળવા બોલાવી ચિટર ટોળકીની મદદથી ખેલ પાડી દીધો, 5 સામે ફરિયાદ

જુનાગઢ : જૂનાગઢમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં ધોરાજીની આસ્થા નામની મહિલા સહિતની ટોળકીએ યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ.63 હજાર પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની મુખ્ય સૂત્રધાર એવી ધોરાજીની મહિલાએ પહેલા શેટીઓ ખરીદીને પૈસા ન આપવા પડે એ માટે યુવાનને વોટ્સએપમાં રોમેન્ટિક વાતો કરી જુનાગઢ બાયપાસ ધોરાજી ચોકડી પાસે મળવા બોલાવી ચિટર ટોળકીની મદદથી ખેલ પાડી દીધો હતો.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શૈલેષભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉ.વ.૪૨ રહે.અમીધારા એપાર્ટમેન્ટ બ્લોક નં-૧૬, સ્ટેશન રોડ, ધોરાજી જી.રાજકોટ) આરોપીઓ આસ્થાનાબેન (રહે ધોરાજી પાંચ પીરનીવાડી પાસે મસ્જીદ) તથા ચાર અજાણ્યા માણસો જેઓની ઉ.વ આ.૨૫ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ના રોજ જુનાગઢ બાયપાસ ધોરાજી ચોકડી પાસે બનેલા આ બનાવમાં આરોપી આસ્થાનાબેનએ ફરીયાદીને ફર્નીચર લેવા બાબતે ફોનમા મીઠી મીઠી વાતચીત કરી ફરિયાદીને વચ્ચે રાખી રૂ.૧૫,૦૦૦ શેટીઓ લઇ ફરિયાદીને રૂપીયા ન આપવા માટે વોટસઅપ કોલ અને મેસેજમા રોમેન્ટીક વાતો કરી ફરીયાદીને પોતાની મોહજાળમા ફસાવ્યો હતો.

ફરિયાદી મોહજાળમાં બરોબર ફસાઈ ગયાનું જાણતા આરોપી મહિલાએ તેને જુનાગઢ ધોરાજી ચોકડી બોલાવ્યો હતો. આથી ફરીયાદી ત્યાં મળવા મળવા જતા મહિલા ફરીયાદીની ફોરવ્હીલમા બેસી થોડી આગળ ગાડી રોકાવી ત્યા બે બાઈકમા ત્રણ છોકરાઓ ઉ.વ. આ ૨૫ વાળા આવેલ અને ફરિયાદીને જેમતેમ ગાળો આપી ઢીકાપાટુથી મારમારી બળજબરીપુર્વક પૈસા પડાવવાના ઇરાદે છરી બતાવી બળજબરીથી ફોર વ્હીલમા બેસાડી દઇ અપહરણ કરી ફરીયાદીને હાઇવે રોડનુ કામ ચાલુ હોય ત્યા લઇ જઇ ત્યાં અન્ય એક અજાણ્યો ઇસમ આવી જતા આ પાંચેયએ મળી ફરીયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની બીક બતાવી તથા બળાત્કારના ખોટા ગુન્હામા સંડોવીદેવાની બીક બતાવી ફરિયાદી પાસેથી રોકડા રૂ.૨૮,૦૦૦ તથા સોનાની વિટી ગુરૂના નંગ વાળી કિ.રૂ.૨૫૦૦૦ ની લઇ તેમજ ફરીયાદીને ધોરાજીવાળા સાહેદ નિકુલભાઇને ફોન મારફતે ફરીયાદીને વાત કરાવી સાહેદ પાસેથી રૂ.૧૦,૦૦૦ મગાવી તે પડાવી લઇ ફરીયાદીને કોઇને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. જો કે આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.