ટીન્ડર એપ્લીકેશન મારફતે વિશ્વાસ કેળવ્યા બાદ યુવાનને માર મારી રૂ.55 હજાર પડાવ્યા

જુનાગઢના ઘાંચીપટ, સરદાર બાગ પાસે બનેલો બનાવ ઓનલાઈન ચેટિંગ કરતા યુવાઘન સામે લાલબત્તી સમાન કિસ્સો

જૂનાગઢ : જુનાગઢના ઘાંચીપટ, સરદાર બાગ પાસે ઓનલાઈન ચેટિંગ કરતા યુવાઘન સામે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચાર અજાણ્યા ઈસમોએ ટીન્ડર એપ્લીકેશન મારફતે વિશ્વાસ કેળવ્યા બાદ યુવાનને મળવા બોલાવીને તેને માર મારી બળજબરીથી રૂ.55 હજાર પડાવી લીધા હતા. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવીભાઇ હરીભાઇ સોલંકી (ઉ.વ.૨૮ રહે. પ્રદિપ સીનેમાની સામે સદરગુરૂ માર્બલની બાજુમાં.બોર્ડીગવાસ જુનાગઢ) એ ચાર અજાણ્યા પુરૂષ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ચારેય પુરષ આરોપીઓએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદી સાથે ટીન્ડર એપ્લીકેશન મારફત મેસેઝ દ્વારા વાતચીત કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમને જુનાગઢ સરદારબાગ ઘાંચીપટમાં આવેલ કસરે ખ્વાજા એપાર્ટેમેનમાં ત્રીજા માળે બ્લોક નંબર સી-૩માં મળવા બોલાવ્યો હતો.

જ્યાં ચારેય આરોપઓએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી તેમજ પાઇપ વડે માર મારી અને ફરીયાદીને જબરજસ્તી રોકી રાખી તેમની પાસે બળજબરી પુર્વક રૂપીયા કઢાવવા સારૂ ફરીયાદીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદીનો મોબાઇલ ફોન લઇ તેના ગુગલ એકાઉન્ટમાંથી આરોપીઓએ તેમના કોઇ પણ ગુગલ એકાઉન્ટમાં રૂપીયા ૩૧,૦૦૦ ટ્રાન્સફર કરી લઇ તેમજ ફરીયાદીના એ.ટી.એમ. મારફત રૂ.૨૪,૦૦૦ ઉપાડી કુલ રૂ.૫૫,૦૦૦ બળજબરી પુર્વક કઢાવી લઇ અને આ બાબતેની કોઇ ફરીયાદ કરીશ તો ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.