ખેતરમાંથી તસ્કરો ૪૧ મણની કપાસની ગાંસડી ઉઠાવી ગયા

વીસાવદરના વેકરીયા ગામ ધારી રોડ પરના ખેતરમાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના વેકરીયા ગામ ધારી રોડ પરના ખેતરમાંથી કપાસની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેતરમાંથી તસ્કરો ૪૧ મણની કપાસની ગાંસડી ઉઠાવી ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઉકાભાઇ વલ્લભભાઇ કોરાટ (ઉ.વ.૪૮ રહે. વેકરીયા ગામ ધારી રોડ તા.વીસાવદર) એ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨ના રોજ વેકરીયા ગામની સીમમાં આરોપીઓએ ફરીયાદીના ખેતરમા પ્રવેશ કરી ફરીયાદીના ખેતરમાં કપાસના વાવેતરમા સેઢે રાખેલ કપાસની ગાંસળી નંગ-૯ જે એક ગાંસળીમા વઝન આશરે ૯૧ કિલો જેટલુ હોય તેમ નવ ગાંસળીનુ ૮૧૯ કિલો જે ૪૧ મણ ગણાય જે એક મણની કિં. રૂ.૨૦૦૦ લેખે ૪૧ મણની કિ.રૂ.૮૨૦૦૦ ગણાય તેની કોઇ ચોર ઇસમો ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.