ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાઈ તે માટે સરકાર ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય જાહેર કરશે

જૂનાગઢ ભાજપા આગેવાનો તથા કોર્પોરેશન પદાધિકારીઓએ ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રીને રજુઆત કરી
સરકારનુ મેળાને લઇને સકારાત્મક વલણ મેળો યોજાય તેવો નિર્ણય ટુંકસમયમાં જ કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી

જૂનાગઢ : જૂનાગઢના ભવનાથમાં પરંપરાગત યોજાતાં સુપ્રસિદ્ધ શિવરાત્રી મેળો યોજાય તે માટે ભાજપા આગેવાનો તથા કોર્પોરેશન પદાધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારમાં રજુઆત કરતા મુખ્યમંત્રીએ સરકારનુ મેળાને લઇને સકારાત્મક વલણ મેળો યોજાય તેવો નિર્ણય ટુંકસમયમાં જ થશે તેમ જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણીના નૈતૃત્વમા મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા જૂનાગઢ મહાનગર સંગઠન તથા મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાશક પક્ષના નેતા કીરીટભાઇ ભીમ્ભા, દંડક અરવિંદભાઈ ભલાણી સહિતનાં આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલની રૂબરૂ મુલાકાત કરી હતી અને વર્ષોથી ચાલ્યો આવતો પરંપરાગત શિવરાત્રી મેળો જેમાં ભજન, ભોજન અને ભક્તિ સાથે અલખનો રણકાર સંભળાય છે તેવો ધર્મની ધજા ફરકાવતો અને લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક શિવરાત્રી મેળો સામાન્ય જનતા માટે બે વર્ષથી બંધ હતો અને ત્યારે આજે કોવીડની પરીસ્થીતી ઘણી સુધરી છે અને છતાં પણ તંત્ર દ્વારા કોઇ નિર્ણય લેવામાં ન આવતા મુખ્યમંત્રી અને માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ રજુઆત કરી મેળો થાય તેની તંત્ર દ્વારા વહેલાસર જાહેરાત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.જે અનુસંધાને માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલે ૨૪ થી ૪૮ કલાકમાં પ્રજાલક્ષી અને આસ્થા સાથે જોડાયેલા આ મેળા માટે સકારાત્મક નિર્ણય જાહેર કરશુ તેવી ખાતરી આપી હતી.