જૂનાગઢના વેસ્ટર્ન જવેલ મોલની ગેરકાયદે બાંધકામ મંજૂરી મામલે મુખ્યમંત્રીને ફરિયાદ

જૂનાગઢના એડવોકેટ સંજય કાપડિયાએ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર વિરુદ્ધ કર્યા લાંચના ચોંકાવનારા આક્ષેપ

જૂનાગઢ : જૂનાગઢમાં રહેણાંક હેતુની જમીન ઉપર ખડકાયેલા વેસ્ટર્ન જવેલ મોલની બાંધકામ મંજૂરી આપવામાં તત્કાલીન સિટી એન્જિનિયર અને નગર ઇજનેર લલિત વાઢેર તથા તત્કાલીન કમિશનર સામે લાંચ લેવાના ગંભીર આક્ષેપો કરી જૂનાગઢના એડવોકેટ અને વ્હિસલ બ્લોઅર સંજયભાઈ ભીખુભાઇ કાપડિયાએ મુખ્યમંત્રીથી લઈ શહેરી વિકાસ વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મોલની બાંધકામ મંજૂરી રીન્યુ નહિ કરવા વાંધા અરજી કરી છે.

જૂનાગઢ શહેરમાં તમામ નીતિ નિયમો નેવે મૂકી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી જમીન ઉપર વેસ્ટર્ન જવેલ મોલ નામના કોમર્શિયલ બાંધકામને ગેરકાયદેસર મંજૂરી આપવા સંદર્ભે જૂનાગઢના એડવોકેટ અને વ્હિસલ બ્લોઅર સંજયભાઈ ભીખુભાઇ કાપડિયાએ રાજ્યના મુખ્યમંત્રીથી લઈ શહેરી વિકાસ વિભાગ સહિત ઉચ્ચ સત્તાધીશોને ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

જૂનાગઢના એડવોકેટ અને વ્હિસલ બ્લોઅર સંજયભાઈ ભીખુભાઇ કાપડિયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, જુનાગઢના તત્કાલિન સિટી ઇજનેર અને નગર નિયોજક લલિત વાઢેર દ્વારા આડેધડ રીતના લાંચ લઈ અને તેમના સમય ગાળાં દરમિયાન અનેક બાંધકામને ગેરકાયદેસર મંજૂરી આપવામાં આવતી હતી અને આ બાબતે જુનાગઢના અનેક નાગરિકોએ અનેક વખત આ ભ્રષ્ટ લલિત વાઢેર સામે ફરિયાદ કરેલ હતી, પરંતુ તત્કાલીન નગર નિયોજક અને સિટી એન્જિનિયરના બબ્બે હોદા ધરાવતા લલિત વાઢેર દ્વારા લાંચ લઈ અને આડેધડ રેસિડેન્સીયલ વિસ્તારમાં પણ કોમર્શિયલ મંજૂરી આપી અને ભયંકર ભ્રષ્ટાચાર કર્યો હતો. અને આવા અધીકારી વિરુદ્ધ અનેક શહેરી જનોની રજૂઆત હોવા છતા શહેરી વિકાસ વિભાગ તરફથી પણ પણ આંખ આડા કાન કરી અને આવા અધિકારી સામે કોઈ કામગીરી કરેલ ન હતી.

વધુમાં જણાવાયું છે કે, ગેરકાયદેસર બંધાકામ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ બાબતે ખુબ જ ગંભીર ટીપ્પણી કરેલ છે અને આવું વધુ ગેરકાયદેસર બાંધકામ ન થાય તે માટે હાલ રજુઆત કર્તા દ્વારા આ અરજી કરી હોવાનું તેમણે જણાવ્યું છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ જૂનાગઢમાં સિટી સર્વે નંબર ૨૯૨/૧ પૈકી ટી.પી સ્કીમ નંબર- ૨ તારીખ ૨૧.૦૨.૨૦૨૧ નાં રોજ જે.એમ.સી. બી.પી./કોમર્શીયલ/ ૨૯/૨૦૨૧ ગેરકાયદેસર અને ભ્રષ્ટ રીત રસમો અપનાવી અને આ જમીન રહેણાકની હોવા છતાં વેસ્ટર્ન જવેલ મોલ નામના કોમર્શીયલ કોમ્પલેક્ષની મંજુરી આપવામાં આવેલ હોવાનું ગંભીરતા પૂર્વક જણાવ્યું છે.

હકીક્તમાં આ જમીન પર તત્કાલીન કલેક્ટર દ્વારા રહેણાંકનાં હેતુ માટે બિનખેતી કરેલ હતી અને આ હુક્મ સ્પષ્ટ, સમજી શકાય તેવો અને સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજણમાં આવે તેવો બિનખેતી હુકમ કરવામાં આવેલો અને તેમાં આ સર્વે નંબરની જમીન માત્ર અને માત્ર રહેણાંકના હેતુ માટે જ બિનખેતી કરવામાં આવેલ હતી તેમ છતાં પણ તત્કાલીન નગર નિયોજક, સિટી ઇજનેર લલિત વાઢેર અને તત્કાલીન કમિશનર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી અને જાણી બુઝીને રહેણાકના હેતું માટે બિનખેતી થયેલા જમીન પર ચાર માળના વેસ્ટર્ન મોલ નામના કોમર્શિયલમાં બાંધકામની મંજૂરી આપી અને બધા અધિકારીઓએ તેમને મળેલ સત્તાની સંપૂર્ણ રીતે ઉપરવટ જઈ અને ભ્રષ્ટ રીત રસમો અપનાવી અને કોમર્શિયલ બાંધકામ માટેની મંજૂરી આપી ખુબ જ ગંભીર ફોજદારી ગુનો કરેલો છે અને હાલમાં એક વર્ષ માટેની આ મંજૂરી પૂર્ણ થયેલ છે અને તેમને રીન્યુ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે તેવા સંજોગોમાં આ સાથે અમો આ બાંધકામ બાબતે આપવામાં આવતી રીન્યુ કે તેને આનુસંગિક કોઈ પણ પ્રકારની મંજુરી સામે અમોને સખ્ત વાંધો રજૂ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે જે હેતુ માટે સંપાદિત થયેલ જમીન છે તેનાથી વિપરીત હેતુફેર સિવાય રેવન્યુ વિભાગની પરવાનગી વિના કોઈપણ બાંધકામ મંજૂરી મળી શકે નહીં તેમ છતાં પણ અગાઉના સીટી ઈજનેર અને નગર નિયોજક લલિત વાઢેર અને જવાબદાર કમિશ્નર દ્વારા જે ગેરકાયદેસર મોલને કોમર્શીયલ મંજુરી આપવામાં આવેલ છે અને હાલમાં આ બાંધકામ મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થયેલ છે અને જો આ કિસ્સામાં આ બાંધકામ મંજુરીને રીન્યુ કરવામાં આવશે અથવા તો કાનૂની કાર્યવાહી કરવા ચીમકી આપવામાં આવી છે.