જૂનાગઢ “આપ” દ્વારા મહિલા અત્યાચારના વધતા બનાવોને લઈને ગૃહમંત્રીના રાજીનામાની માંગ

સુરતમાં યુવતીની હત્યાના બનાવને વખોડી કાઢી તેના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું

જૂનાગઢ : સુરતમાં યુવતીની હત્યાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે.ત્યારે જૂનાગઢ આમ આદમી પાર્ટીએ રાજ્યમાં વધતા મહિલાઓ ઉપર અત્યાચારના બનાવોને લઈને ગુજરાત સરકાર ઉપર પ્રહારો કરી ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી અને સુરતમાં યુવતીની હત્યાના બનાવને વખોડી કાઢી તેના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું.

જૂનાગઢ આમ આદમી પાર્ટીએ આજે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં હમણાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. તેમાંય મહિલાઓ ઉપર અત્યાચાર વધ્યા છે. તાજેતરમાં જ સુરત ખાતે એક યુવતીની તેના પરિવારની સામે ન ક્રૂર હત્યા કરવામાં આવી હતી. તેથી આવા હીંચકારી બનાવોને પગલે ગુજરાત સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષફળ નીવડી હોવાનું જણાવી આ બાબત માટે જવાબદાર ગૃહમંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી. સાથેસાથે સુરતનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવી આરોપીને કડકમાં કડક સજા આપી યુવતીના પરિવારને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી.