બાપુજીની ફટાકડી લઈ સોશિયલ મીડિયામાં સીન સપાટા ભારે પડયા

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની તપાસ કરી યુવકને દબોચો લીધો, પુત્રને હથિયાર આપનાર પિતા સામે પણ ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢમાં ગઈકાલે એક યુવકે ચાલુ બાઈકે જાહેરમાં રિવોલ્વર દેખાડીને સીન સપાટા નાખ્યા હતા અને આ કરતૂતનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા જૂનાગઢ લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત જ હરકતમાં આવી સોશ્યલ મીડિયામાં ફેમસ થવા જાહેરમાં હથિયાર સાથે સીન સપાટા કરનાર યુવકને ઝડપી લીધો હતો. તેમજ પુત્રને હથિયાર આપનાર પિતા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે.

જૂનાગઢમાં સોશ્યલ મીડિયામાં ફેસમ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો અખતરો કર્યો હતો. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા માટે જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક હાંકતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી તેમાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરે છે. જેથી આ યુવાનની બહાદુરીના વખાણ થાય. આથી બાઇક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વિડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાનનું નામ હર્ષ દાફડા હોવાનું જાણવા મળ્યું હતું.

સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ બનાવની મૂળ સુધી પહોંચી આરોપી હર્ષ મનસુખભાઇ દાફડા (ઉ.વ.૧૮) ને રિવોલ્વર સાથે દબોચી લીધો હતો. જો કે આ હથિયાર પિતાનું લાયસન્સવાળું હોય અને તેને પિતાએ આ હથિયાર આપ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે તેના પિતા મનસુખભાઇ નાજાભાઇ દાફડા સામે પણ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

સાથો-સાથ જૂનાગઢ પોલીસે આ કિસ્સા બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે સીન સપાટા કરતા યુવાનોને સાનમાં સમજી જવા કડક ચેતવણી પણ આપી છે.