બંધ મકાનના તાળા તોડી તસ્કરો રૂ.30 હજારની માલમત્તા ઉસેડી ગયા

કેશોદના અજાબ રોડ પર આવેલ ઇન્દીરાનગરમાં થયેલી ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના અજાબ રોડ પર આવેલ ઇન્દીરાનગર પાસેને એક બંધ મકાનમાં તસ્કરોએ ખાબકી બંધ મકાનના તાળા તોડી રૂ.30 હજારની માલમત્તા ઉસેડી ગયા હતા. આ ઘરફોડ ચોરી અંગે મકાન માલિક મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગૌરીબેન હરજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫ રહે. અજાબ રોડ ઇન્દીરાનગર રવિ પાન સેન્ટરની બાજુમા કેશોદ) એ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ ફરીયાદીના બંધ મકાનમાં રાત્રીના સમયે કોઇ ચોર ઇસમએ ઘરમાં પ્રવેશ કરી ગ્રીલના દરવાજાનુ તાડુ તોડી મકાન અંદર રૂમમાં પ્રવેશ કરી રૂમમાં આવેલ કબાટનો દરવાજાનો લોક તોડી કબાટ અંદરના નીચેના ખાના માં રાખેલ રોકડા રૂ.૬,૦૦૦ તથા કબાટની તીજોરીમાં રાખેલ રૂ.૨૪,૦૦૦ ની અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂ.૩૦,૦૦૦ ની ચોરી કરી ગયો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.