લુખ્ખાઓએ મકાન ખાલી કરાવવા મહિલાને દમદાટી આપી રૂ.10 હજાર પડાવી લીધા

માણાવદરના બસ સ્ટેશન પાછળ રાજુ ઇન્જીનીયર કારખાનાની બાજુમા બનેલા બનાવમાં ત્રણ લુખ્ખાઓ સામે ફરિયાદ

જૂનાગઢ : માણાવદરના બસ સ્ટેશન પાછળ રાજુ ઇન્જીનીયર કારખાનાની બાજુમા લુખ્ખાઓ એક મકાન ખાલી કરાવવા રીતસર લુખ્ખાગીરી ઉપર આવી મહિલાને દમદાટી આપી રૂ.10 હજાર પડાવી લીધા હતા. તેમજ ખોટી ફરિયાદની બીક આપી વધુ પૈસા આપવાની ધમકી આપતા અંતે મહિલા પોલીસ પાસે પહોંચી હતી અને આ બનાવ અંગે ત્રણ લુખ્ખાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જેતુનબેન યુનુશભાઇ લાજી( ઉ.વ.૫૦, રહે.માણાવદર,બસસ્ટેન્ડ પાછળ,રાજુ ઇન્જીનીયર કારખાનાની બાજુમા) એ આરોપીઓ સોહીલ ઉર્ફે બાપુડી, નીશાર ઉર્ફે બાપુડી, ભાવેશ ખંઢેરા (રહે.ત્રણેય માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીનુ મકાન ખાલી કરાવવા અવારનવાર તેના ઘરે જઇ ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી મકાન ખાલી નહી કરે તો ફરીયાદીના દીકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ખોટી એટ્રોસીટી કરવાની ધમકી આપી તથા એક આરોપી અલ્ટો કાર લઇ ફરીયાદીના ઘર પાસે આવી છરી બતાવી અન્ય આરોપીને એટ્રોસીટી કરવા દવાખાનામાં દાખલ કરાવેલ છે તેમ કહી ફરીયાદીના દીકરા સાહેદએ અગાઉ કરેલ ફરીયાદમાં સમાધાન કરી લેવારૂ.૨૫૦૦૦ ની માંગણી કરી ફરીયાદી તથા સાહેદોને એટ્રોસીટીની ફરીયાદની બીક બતાવી રૂ.૧૦૦૦૦ કઢાવી લઇ અને બાકીના પૈસા ફરીયાદીએ પાછળથી આપવાનુ જણાવેલ હોય ત્યારબાદ આરોપીઓએ ફરીયાદીના દીકરા સાહેદ અબા સહીદને ફોન કરી અવારનવાર ધમકીઓ આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.