જૂનાગઢ મહાપાલિકામાં ગેમિંગ મેનિયા ! ચાલુ કચેરીએ પબજીની મોજ

સ્ટ્રીટ લાઈટ શાખામાં ચાલુ ઓફિસે કર્મચારી વિડીયોગેમમાં વ્યસ્ત હોવાનો વિડીયો વાયરલ

જૂનાગઢ : જુનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓએને જાણે ચાલુ ફરજે લોકોના કામો પડતા મૂકીને ઓનલાઈન ગેમીગ રમવાનું ભૂત સવાર થયું હોય એમ કર્મચારીઓનો ચાલુ ફરજે કચેરીમાં ગેમીગ રમવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. એકબાજુ લોકો મહત્વના કામો માટે ધક્કે પે ધક્કા ખાઈ રહ્યો હોય ત્યારે લોકોના કામ કરવાની ફરજ નિભાવાને બદલે સરકારી બાબુઓ ચાલુ ફરજે કોમ્યુટરમાં ગેમ રમતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

જુનાગઢ મહાનગરપાલિકામાં જાણે પોપાબાઈનું રાજ હોય તેમ અમુક સરકારી બાબુઓ પોતાની ઘરની ધોરાજી ચાલવી રહ્યા હોવાની પ્રતીતિ કરાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જુનાગઢ મહાનગરપાલિકામાં ચાલુ ફરજે કર્મચારીઓએને ગેમિંગ મેનિયા વળગ્યો હોય તેમ એક કર્મચારી ગેમીગ રમતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઈટ શાખાના કર્મચારી ચાલુ ફરજે લોકોના કામો કરવાને બદલે કોમ્યુટરમાં ઓનલાઈન ગેમ રમતા દેખાઈ છે.

ચાલુ ફરજે સરકારી બાબુ આ રીતે ગેમિંગમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા કે, તેમને સ્થળ કાળનું જરાય ભાન રહ્યું ન હતું અને બેરોકટોકપણે ગેમ રમવાની મજા લૂંટી હતી. કર્મચારીની આવી ઘરની ધોરાજીથી મહાનગરપાલિકામાં કોઈ કહેવાવાળું કે ટોકવાવાળું જ ન હોય તેવી ગંભીર પરિસ્થિતિ સામે આવી રહી છે. એકબાજુ લોકો પ્રાથમિક સુવિધા માટે તરસી રહ્યા છે અને પોતાના કામો કરવા માટે આ કચેરીના પગથિયાં ઘસી રહ્યા હોય પણ જવાબદાર બાબુઓ જ કામ કરવાને બદલે જોહુકમી ચલાવતા હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્યારે કોઈ ઉચ્ચ અધિકારીઓ આવા રેઢિયાળ કર્મચારીઓને ફરજનું ભાન કરાવે તે જરૂરી છે.