સોરઠવાસીઓ કાલે સોમવારે ભારે હૈયે પુલાવામાં શહીદોને આપશે વિરાંજલી

જૂનાગઢના રામજીમંદિર (ગૌશાળા), આદર્શનગર-૨, જોષીપરા ખાતે મશાલો સાથે મૌનરેલી નીકળશે

જૂનાગઢ : કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા દેશના વીર સપૂતોની વીરતાને આખો દેશ કોટી કોટી વંદન કરી રહ્યો છે. ત્યારે આવતીકાલે પુલવામાં થયેલા આતંકી હુમલાની વરસી હોય શહીદોની વીર શહાદતને નમન કરવા માટે આખો દેશ વિરાંજલી દિવસ તરીકે ઉજવણી કરશે. આથી સોરઠવાસીઓ પણ કાલે સોમવારે ભારે હૈયે પુલાવામાંના શહીદોને વિરાંજલી આપશે.

કાશ્મીરના પુલવામા ગત તા.૧૪-૨-૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા દેશના લશ્કરના ૪૦ જવાનોની યાદ દરેક દેશપ્રેમીને સતત રહે અને આવા ઘૃણિત કૃત્ય કરનારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનાર આપણું લશ્કર આપણી સરકાર અને દેશ માટે શહિદ થનાર દરેક વિર જવાનોનાં પરિવારોને પ્રેરક બળ મળી રહે તે માટે આગામી ૧૪ ફેબ્રુઆરી અને આવનાર દરેક ૧૪મી ફેબ્રુઆરીને વિરાંજલી દિવસ તરીકે મનાવીને શહિદોને શ્રધ્ધાંજલી આપવી એ આપણી દરેકની ફરજ બને છે. તેથી શ્રીરામજી મંદિર આદર્શ નગર-૨, જોષીપરા, જૂનાગઢ દ્વારા આવતીકાલે ૧૪મી ફેબ્રુઆરીના રોજ ‘‘વિરાંજલી’’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સાંજે ૫-૩૦ કલાકે દિપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત થશે અને સાંજે ૫-૩૦ થી ૭-૩૦ કલાકે આમંત્રીત મહેમાનો દ્વારા પ્રસંગોચીત ઉદબોધન તેમજ ૭ સાંજે ૭-૩૦ થી મશાલો અને મૌનરેલી શ્રીરામજી મંદિરથી નિકળી જોષીપરા નગર વિસ્તારમાં ફરશે. તેથી આ કાર્યક્રમમાં દરેકે હાજરી આપવી એ ફરજ બને છે. તેથી દરેકને હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.