ભારે કરી ! જૂનાગઢમાં ચાલુ બાઈકે યુવાનના રિવોલ્વર સાથે સીન સપાટા

સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાને ચાલુ બાઈકે રિવોલ્વર દેખાડી વીડિયો ઉતારીને વાયરલ કર્યો

જૂનાગઢ : યુવાનોમાં સોશ્યલ મીડિયાનો એટલો બધો ક્રેઝ છે કે, તેમાં રાતોરાત ફેમસ થવા માટે ગમે તે હદ ઉપર જઈ શકે છે. આવા જ એક બનાવમાં જૂનાગઢમાં એક યુવકના મગજમાં સોશ્યલ મીડિયામાં ફેમસ થવાનું ભૂત એટલી હદે સવાર થયું હતી કે, તેણે રોડ ઉપર ચાલુ બાઈકે રિવોલ્વર બતાવીને સીન સપાટા નાખ્યા હતા. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

જૂનાગઢમાં સોશ્યલ મીડિયામાં ફેસમ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવવાનો અખતરો કર્યો હતો. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરવા માટે જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક હાંકતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી તેમાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરે છે. જેથી આ યુવાનની બહાદુરીના વખાણ થાય. આથી બાઇક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વિડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાનનું નામ હર્ષ દાફડા હોવાનું જાણવા મળ્યું છે.જો કે જાહેરમાં હથિયાર લઈને ફરવું એ કાયદાકીય રીતે ગુનો છે. તેથી પોલીસ આ યુવક સામે કાર્યવાહી કરશે કે કેમ તેવો વેધક સવાલ ઉઠ્યો છે.