જૂનાગઢના મજેવડી ગામેં ચકચારી લૂંટ પ્રકરણમાં મહિલા સહિત વધુ બે આરોપી ઝડપાયા

ચારેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયા

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી ગામેં ચકચારી લૂંટ કેસનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી બે આરોપીને ઝડપી લીધા બાદ બાકીના ફરાર મહિલા સહિત વધુ બે આરોપીની પણ ધરપકડ કરી હતી. તેમજ પોલીસે લૂંટમાં ગયેલો મુદામાલ રિકવર કર્યો હતો અને ચારેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર સોપાયા છે.

જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા સવજીભાઈ ગોકળભાઈ મકવાણા જાતે દેવીપૂજક ઉવ. 70 ગત તા.9 ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરે એકલા સુતા હતા, દરમિયાન લૂંટારુઓ ત્રાટકીને તેમને માર મારી બંધક બનાવી રૂ.20,88,500ની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. આ લૂંટનો પોલીસ ભેદ ઉકેલી નાખી બે લૂંટારુઓ રાહુલ રમેશભાઈ દેવીપૂજક અને ભરત પ્રેમજીભાઈ કોળીને ઝડપી લીધા હતા.આ રોપીઓની પૂછપરછ કરતા લૂંટના ગુન્હામાં રઝીયાબેન ઉર્ફે હાજુબેન યુનુસભાઈ ફકીર ઉવ. 40 રહે. ત્રાકુંડા ગામ તા. ગોંડલ જી. રાજકોટ તથા દિનેશ મણીભાઈ દેવીપૂજક ઉવ. 26 રહે. મજેવડી ગામ તા. જી. જૂનાગઢની સંડોવણી પણ ખુલતા એ બન્નેને પણ ઝડપી લીધા હતા.

પકડાયેલ ચારેય આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન લૂંટમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ રૂ. 1,63,400 તેમજ ગુન્હામાં વાપરેલ મોટર સાયકલ સહિત કુલ રૂ. 15,63,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવતા ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે અને આરોપી રાહુલ સાડીઓમાં ભરતકામની મજૂરી કરતો હોય, અવાર નવાર સાડીઓ લેવા ત્રાકુંડા ગામે આરોપી રઝિયાબેન પાસે જતો હોય, બંનેની આંખ મળી જતા, બને વચ્ચે પ્રેમસંબંધ થયેલ હતો. આરોપી રાહુલ ભૂતકાળમાં ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે ઉછીના રૂ. 20,000 લેવા ગયેલ ત્યારે ફરિયાદી સવજીભાઈ મકવાણા પાસે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમનો દલ્લો હોવાની વિગત જાણવા મળેલ હતી. આરોપી રાહુલ અને રઝિયાબેન વચ્ચે પ્રેમસંબંધ હોઈ, બંનેને રૂપિયાની જરૂરિયાત હોઈ, આરોપી ભરત કોળી અને દિનેશ દેવીપૂજક સાથે મળી, ફરિયાદીને મોતને ઘાટ ઉતારી, સોના ચાંદીના દાગીના રોકડ લૂંટ કરવાનો પ્લાન બનાવી, તમામ આરોપીઓએ સાથે મળી, ગુન્હો આચરેલ હોવાની કબૂલાત આપી છે.

પકડાયેલા આરોપીઓ દ્વારા બાકીનો મુદામાલ કયા રાખેલ છે..? ફરિયાદીને શા કારણે લૂંટ કરવા ટાર્ગેટ કરવામાં આવેલ છે ? ગુન્હો કરતી વખતે શુ શુ પુરાવો છોડલ છે…? જ્યા જ્યા થઈ પસાર થયેલ ત્યાં સીસીટીવી કેમેરા ફૂટેજ છે કે કેમ…? વિગેરે મુદ્દાઓસર પૂછપરછ હાથ ધરી, દિન 7 પોલીસ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવતા, નામદાર કોર્ટ દ્વારા દિન 03 ના પોલીસ રિમાન્ડ મંજુર કરાયા છે.