માતૃશક્તિ અંતર્ગત દુર્ગાવાહીની ટીમ દ્વારા જૂનાગઢના નવનિયુક્ત મેયરનું સન્માન

દુર્ગાવાહીની ટીમેં મેયરની તેમના નિવાસસ્થાને મુલાકાત લઈ અલ્પાહાર કરીને વાલ્મિકી સમાજની બહેનોને પણ તેમની સંસ્થામાં જોડાવવા હાકલ કરી

જૂનાગઢ : જૂનાગઢ વિશ્વ હિન્દૂ પરિષદ અંતર્ગત માતૃશક્તિ તેમજ દુર્ગાવાહીની ટીમ દ્વારા જૂનાગઢના નવનિયુક્ત મેયર ગીતાબેન પરમારની તેમના ઘરે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ગીતાબેનને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તેમજ પરિષદનો ખેસ પહેરાવી અને મોમેન્ટો આપી સંસ્થાની બહેનોએ તેમના ઘરે અલ્પાહાર લઈ વાલ્મિકી સમાજની દીકરીઓને આગામી દિવસોમા મોટી સંખ્યામા જોડવાની પણ ચર્ચા કરી હતી.

આજે વિશ્વ હિન્દૂ પરિષદ તરફથી મેયર ગીતાબેન પરમારની તેમના નિવાસસ્થાને મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંતના અધિકારી દુર્ગાવાહીની સંયોજિકા ડો. અર્ચનાબેન ત્રિવેદી, મહાનગરના માતૃશક્તિ સંયોજિકા સીમાબેન દવે, સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહીનીના સદસ્ય રિંકલબેન મહેતા તેમજ મહાનગરના મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા.

બહેનોના સશક્તિકરણ, જાગરણના વિષયો, સંસ્કૃતિ જાણવણીના વિષયો, આગામી પ્રાંતનો દુર્ગાવાહીની વર્ગ, આગામી મહાનગરનો એક દિવસીય દુર્ગાવાહીની વર્ગ, જૂનાગઢમા ચાલતા દુર્ગાવાહીની સાપ્તાહિક કેન્દ્રો, માતૃશક્તિના ચાલતા સત્સંગ કેન્દ્રો તેમજ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટેના વિષયો ઉપર ચર્ચા થઇ હતી.

ગુજરાતમા પ્રથમ વખત અનુસૂચિત જનજાતિમાંથી કોઈ મહિલા મેયર હોય તો તે જૂનાગઢના ગીતાબેન પરમાર છે. આ સમયકાળ દરમિયાન સામાજિક સમરસતાના વિષય ઉપર પણ કાર્ય થશે. તેમજ સમસ્ત સમાજમા એકતા અને અખંડિતતા બની રહે એવા પ્રયત્નો સાથે ગીતાબેન કાર્ય કરશે એવો વિશ્વાસ પણ આપ્યો છે અને સંગઠનને જ્યાં પણ જરૂર પડે ત્યાં અવશ્ય ઉપયોગી પણ થશે એવો વિશ્વાસ પણ ગીતાબેન તરફથી મળ્યો છે.