મારામારીના ગુન્હામાં ૨ વર્ષથી નાસતો ફરતો ભાગેડુ ઝડપાયો

ભાવનગરના ત્રાપજ ગામે મજૂરી કામ કરતો હતો

જૂનાગઢ : છેલ્લા ૨ વર્ષથી મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામેથી જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડે પકડી પડ્યો હતો.ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.આરોપીને પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલાની કબૂલાત કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૨ વર્ષથી મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સુલતાન ઇકબાલ રફાઇ (રહે ૬૬ કેવી મહેતાનગર) પોલીસથી બચવા અલગ અલગ શહેરોમાં આશરો લઇ રહેતો હતો.જૂનાગઢ જિલ્લામાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન ખાનગી રીતે માહિતી મળી હતી કે આરોપી ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ત્રાપજ ગામે રહે છે અને મજુરી કામ કરે છે.જૂનાગઢ પેરોલ ફર્લૉ સ્કોડે ત્રાપજ ગામે આરોપીને ઝડપી ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલાની કબૂલાત કરી હતી.જેથી તેને હસ્તગત કરી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ હતો.

પોલીસ નિર્દેશક,સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સમગ્ર રાજ્યમાં પોલીસને સૂચના આપેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવી તેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હતી.

આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઈન્સ.એસ.એન. ક્ષત્રિયના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લૉ સ્કોડના એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ તથા પો.હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા,પો.કોન્સ દીનેશભાઇ છૈયા,પો.કોન્સ.સંજયભાઇ ખોડભાયા,પો.કોન્સ.સાહીલ સમા ટીમ કાર્યરત બની હતી.