જૂનાગઢમાં મોબાઇલની ચિલઝડપ કરનાર સમડીને ઝડપી પાડતી પોલીસ

સીસીટીવી કેમેરાની મદદથી ગુન્હાનો ભેદ ઉકેલાયો : ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ કબ્જે

જૂનાગઢ : જૂનાગઢ શહેરના વણઝારી ચોક નવા નાગરવાડા સોરઠ ડેરી પાસે જાહેરમાં મહિલાના હાથમાંથી આંચકો મારી મોબાઇલ ફોન ઝૂંટવી ચીલ ઝડપ કરી નાશી ગયેલ સમડી ચોરને જુનાગઢ બી ડીવીઝન પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બાઈક સહિત ઝડપી લીધો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતજા વાશમશેટ્ટીની સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી ડીવીઝન પીઆઇ આર.એસ.પટેલની સુચનાને પગલે ગુન્હા નિવારણ સ્ટાફ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી ચોર મુદ્દામાલ શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. હારૂનભાઇ ખાનાણીને સયુક્ત બાતમી રાહે મળેલ હકીકત આધારે ચીલઝડપ કરનાર સમડીને પકડી પાડવામાં આવી હતી.

બી ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા પાસે ઉપરોક્ત સમડી ચોર હોવાની બાતમીને આધારે વિજાપુર ગામના વિશાલ દિનેશભાઇ ભરડા ઉ.23ને ઝડપી લઈ વણઝારી ચોકમાંથી મહિલાનો ચોરાયેલ વીવી કંપનીનો વી-15 નેવી બ્લુ કલરનો મોબાઇલ ફોન કિ.રૂ.10 હજાર તેમજ ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી. નં.-જી.જે.-11-સી.એફ.-7255 કિ.રૂ.20,000 કબ્જે કર્યું હતું.

આ સફળ કામગીરી બી ડિવિઝન પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ ગુન્હા શોધક યુનિટના પીએસઆઇ આર.એચ.બાંટવા, નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઇ ખાનાણી, પરેશભાઇ હુણ, મુકેશભાઇ મકવાણા, પો.કોન્સ. નીતિનભાઇ હીરાણી, નેત્રમ શાખાના પો.કોન્સ. સિધ્ધીબેન વાઘેલા, પો.કોન્સ. દેવેનભાઇ સિંઘવ, કિંજલબેન કાનગડ, શિલ્પાબેન કટારિયા તથા એન્જિનીયર રિયાઝભાઇ અન્સારીએ કરેલ હતી.