જૂનાગઢમાં રાત્રી કર્ફ્યુ 12 વાગ્યાથી : જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડી દિશા નિર્દેશો જાહેર કર્યા

લગ્ન પ્રસંગ ખુલ્લામાં મહત્તમ ૩૦૦ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ ટકા કે ૧૫૦ વ્યકિતઓ એકત્ર થઈ શકશે

જૂનાગઢ,તા.૧૦ કોરોના વાઈરસના કેસમાં છેલ્લા થોડા દિવસ થી ઘટાડો થઈ રહયો છે. ત્યારે આ વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજે આગામી તા. ૧૮ ફેબુ્આરી સુધી નીચે મુજબના આદેશો,નિયંત્રણો જારી કર્યા છે.

જૂનાગઢ શહેરમાં રાત્રી કર્ફ્યુ દરરોજ રાત્રીના ૧૨-૦૦ કલાક થી સવારના ૫-૦૦ કલાક સુધી અમલમાં રહેશે. જૂનાગઢ શહેરમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ,અઠવાડી ગુજરી બજાર હાટ, હેર કટીંગ સલૂન અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાત્રીના ૧૧-૦૦ સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતા ના ૭૫ ટકા સાથે રાત્રીના ૧૧-૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ રેસ્ટોરન્ટમાં હોમ ડીલેવરી સેવાઓ ૨૪ * ૭ સુધી ચાલુ રાખી શકાશે.

જયારે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહતમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે.

લગ્ન માટે ખુલ્લામા મહત્તમ ૩૦૦ (ત્રણસો) વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના ૫૦ % (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦(સો) વ્યકિતઓની મંજુરી રહેશે. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે (Standing not allowed) જયારે એ.સી. બસ સેવાઓ મહતમ ૭૫ % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્યુમાંથી મુકિત આપવામાં આવે છે.

સિનેમા હોલ બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે.જીમ સમાવેશ ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે.વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહતમ ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે.વાંચનાલયો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે. ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ–બગીચાઓ રાત્રીના ૧૦:૦૦ ક્લાક સુધી ચાલુ રાખી શકાશે.
શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે.સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.ઉપરોકત તમામ આર્થિક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા માલિકો,સંચાલકો,કર્મચારીઓ, તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકસીનના બે ડોઝ ફરજિયાત રહેશે.
રાત્રી કર્ફયુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે.

બીમાર વ્યકિત,સર્ગભાઓ,અશકત વ્યકિતઓને સારવાર માટે અટેન્ડેન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે,એરપોર્ટ કે સીટી બસની ટીકીટ રજૂ કર્યે થી તેઓને અવરજવરની છૂટ રહેશે. રાત્રિકર્ફયુના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહિ.આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/ અધિકારીઓ/ કર્મચારીઓએ અવર જવર દરમિયાન માંગણી કર્યે થી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યકિતઓએ તેમનું ઓળખપત્ર,ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યે થી અવરજવરની છૂટ રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યકિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
રાત્રિકર્ફયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃતીઓ ચાલુ રાખી શકાશે

COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ. મેડીકલ, પેરા મેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.ઈન્ટરનેટ/ટેલીફોન/મોબાઈલ પ્રોવાઈડર/આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પ્રેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોટેશન અને ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ. પોસ્ટ અને કુરિયર સર્વિસ.ખાનગી સેવા. પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. ઉક્ત તમામ આવશ્યક ચીઝ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતર રાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ. તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ ઉપરાંત જાહેર સ્થળો/કામના સ્થળો ઉપર અને આવન-જાવન સમયે લોકોએ માસ્ક પહેરવું/ચહેરો ઢાંકવાનો રહેશે. જાહેર સ્થળોએ તમામ વ્યક્તિઓએ ઓછામાં ઓછુ ૬ ફુટનું અંતર જાળવવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે Physical Distancing જળવાઈ રહે તેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે. જાહેર સ્થળોએ થૂકવુ નહીં. જેના ભંગ બદલ સરકારશ્રી ધ્વારા વખતોવખતના હુકમથી નિયત કરેલ દંડને પાત્ર થશે.
આ જાહેરનામાના ભંગ બદલ The Epidemic Diseases Act 1897 અન્વયે The Gujarat Epidemic Diseases COVID-19 Regulation,2020 ની જોગવાઈઓ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

આ જાહેરનામાની વ્યક્તિગત બજવણી શક્ય ન હોય એક તરફી બહાર પાડવામાં આવે છે. આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.