ખાઇ કે પાન બનારસ વાલા ! જૂનાગઢ જેલમાં સાદા પાનનું પોટલું ફેંકાયું

જૂનાગઢ જેલના જેલર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ

જૂનાગઢ : ખાઈ કે પાન બનારસ વાલા…. ખુલ જાય બંદ અકલ કા તાલા…… જૂનાગઢ જેલમાં બંધ કેદીઓ દ્વારા બર્થડે પાર્ટી મનાવવાનો વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ જેલ સતત ચર્ચામાં છે ત્યારે ગઈકાલે જેલ સંકુલમાં કોઈ સાદા પાનનું પોટલું ફેંકી જતા આ મામલે જેલર દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ જેલમાં કેદીઓને જલસા હી જલસા હોવાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે રાજ્યના જેલ વડાની સ્ક્વોડ દ્વારા તેમજ જૂનાગઢ સ્થાનિક પોલીસ દ્વારા જેલની જડતી લેવાતા રાઉટર, મોબાઈલ મળી આવ્યા બાદ જૂનાગઢ જેલના જેલર ગૃપ-02 હરીશભાઈ કે.પટેલ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જેલ સંકુલમાં ડાબી બાજુની દીવાલેથી એક પોટલુ ફેકાયું હોવાનું અને આ પોટલામાં પાંચ નંગ સાદા પાન જેલ પ્રતિબંધીત વિસ્તારમા ફેંકવામાં આવ્યા હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના મામલે જૂનાગઢ સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઇપીસી કલમ 188 ઉપરાંત પ્રિઝન એકટની કલમ 42,43 અને 45(12) અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.