જૂનાગઢમાં પોલીસે બે માથાભારે ઇસમોને કાયદાનું ભાન કરાવ્યું

ગામના ચાલવાના રસ્તે એક સદગૃહસ્થને ધમકી આપી રસ્તો પચાવી પાડવાનો પ્રયાસ કરતા બન્ને ઈસમોને પોલીસે કાયદાની ભાષામાં સમજાવ્યા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના સોનેરડી ગામે એક સદગૃહસ્થને પોતાની ખેતીની જમીનમાં જવા માટેના રસ્તે બે માથાભારે શખ્સોએ તે રસ્તે નહિ ચાલવાનું કહી રસ્તો પચાવો પાડવા દમદાટી મારી હતી. આ બનાવ સામે આવ્યા બાદ પોલીસે તત્કાળ કાર્યવાહી કરી હતી અને બન્ને માથાભારે ઇસમોને પોલીસની ભાષામાં જ સમજાવો કાયદાનું ભાન કરાવીને સદગૃહસ્થને તેમના રસ્તે ચલાવાનો હક્ક અપાવ્યો છે.

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમિયાન જૂનાગઢ શહેરના ગિરિરાજ મેઈન રોડ ઉપર ઉમિયા સોસાયટી ખાતે રહેતા અને સરકારી નોકરી કરી, ગુજરાન ચલાવતા એક સદગૃહસ્થએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળીને પોતાની વ્યથા જણાવી હતી કે, પોતે પોતાના રીટાયર્ડ સમયમાં આવક થાય તેવા હેતુથી ખેતીની વડીલો પાર્જિત જમીન સોનારડી ગામે આવેલ છે. જે જમીનની બહાર નીકળવા સરકારી જમીનમાંથી ખારી તરફ જવાનો રસ્તો આવેલ છે. જે રસ્તે નહીં ચાલવા ગામના માથાભારે બે ઈસમો દ્વારા ધમકી આપેલ અને રૂપિયા આપે તો જ ત્યાંથી ચાલવા દેવા જણાવતા, પોતાનો રસ્તો પચાવી પાડવાનો ભય લાગતા, ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ડી.જી.બડવા, સ્ટાફના હે.કો. દેવાભાઈ ભારાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે અરજદારની જમીનની બાજુના ખેતરવાળા બને માથાભારે વ્યક્તિ કે જેઓ બને દ્વારા ચાલવાના રસ્તા ઉપર બળજબરીથી કબ્જો કરવાની કોશિશ કરતા હોય, કાયદા હેઠળ ગુન્હો દાખલ કરાવા દબાણ લાવતા, પોલીસની ભાષામાં સમજાવતા, બને માથાભારે ઈસમો રસ્તા બાબતે પોતાને કોઈ વાંધો નહીં હોવાનું જણાવી, અરજદારને રસ્તામાં ચાલવા દેવા તૈયાર થઈ ગયેલ હતા.

ખૂબ જ સરળ સ્વભાવના નોકરિયાત એવા અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને ફરીવાર કોઈ હેરાનગતિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાનો ખેતરમાંથી ચાલવાનો હક્ક પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના ખેતરમાંથી ચાલવાના કાયદેસરના હક્ક મેળવવો ભારે થઈ પડતો, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરેલ હતો.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા અરજદારને પોતાના ખેતરમાંથી જવાના રસ્તાનો કાયદેસરનો હક્ક પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે ફરી એકવાર સાર્થક કર્યું હતું.