સગર સમાજની 24 દીકરીઓને તેમના ઘરે જ પરણાવી સાસરે વળાવી

કોરોનાનું સંક્રમણ ટાળવા માટે સોરઠ સગર સમાજ દ્વારા અનોખા સમહુલગ્ન સંપન્ન

જૂનાગઢ : સમગ્ર દેશમાં ત્રીજી લહેરને કારણે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે જૂનાગઢના સોરઠ સગર સમાજ દ્વારા અનોખા સમહુલગ્ન યોજાયા હતા. જેમાં સમૂહમાં નહિ પણ દીકરીઓના ઘરે જ તેમના લગ્ન કરી પિતાની ઘરેથી હસીખુશી સાથે સાસરે વિદાય આપવામાં આવી હતી. આ સમૂહલગ્નમાં 24 દીકરીઓના ઘરે જ લગ્ન યોજાયા હતા.

સોરઠ સગર સમાજના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ તથા તેમની ટીમ દક્ષિણા સમૂહલગ્ન સમિતિ દ્વારા આ અનોખા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24 નવયુગલની નોંધણી થઈ હતી.જો કે આ સમાજની કારોબારીમાં હાલ કોરોનાનું સંક્રમણ ટાળવા માટે એકસાથે સમૂહમાં નહિ પણ દરેક દીકરીઓના ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લઈ તે લગ્નનું તમામ સંચાલન-જવાબદારી નિભાવી હતી અને 24 કન્યાઓના ઘરે જ લગ્ન લેવાયા હતા. દરેક પિતાની એવી ઈચ્છા હોય કે તેમની દીકરી તેમના ઘરેથી લગ્ન કરીને સાસરે વિદાય લે તેવી ઈચ્છાને માન આપીને આ સમાજ દ્વારા દરેક દીકરીઓના ઘરે જ લગ્ન યોજી પિતાના ઘરેથી દીકરી પરણીને સાસરે ગઈ હતી.

સોરઠ સગર સમાજ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર રૂપે અઢકળ ભેટ સોગાદ આપવામાં આવી હતી. આ તકે સમાજના પ્રમુખ રમેશભાઈ કોદાવાલા, ઉપપ્રમુખ રમેશભાઈ કારેણા, મહામંત્રી ગીરીશભાઈ શિર, હરેશભાઇ પાથર, હરેશભાઇ ચુડાસમા, વિનુભાઈ મારુ, રસિકભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતિને આર્શીવચન પાઠવ્યા હતા.