દુકાનમાંથી ભાગ છૂટો કરવા મામલે બે ભાગીદારો વચ્ચે બઘડાટી

માણાવદરના બસ સ્ટેન્ડ પાછળ બનેલા મારામારીના બનાવમાં સામસામી ફરિયાદ

જૂનાગઢ : માણાવદરના બસ સ્ટેન્ડ પાછળ દુકાનમાંથી ભાગ છૂટો કરવા મામલે બે ભાગીદારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. એક પક્ષે હુમલાની અને સામેના પક્ષે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અબાનાશીર યુનુસભાઈ લાજી (ઉ.વ.૩૨ રહે. માણાવદર બસ સ્ટેન્ડ પાછળ કોઠારીયા કોલોની તા.માણાવદર) એ આરોપી નિશાર ઉર્ફે બાપુડી સાદીકમીયા કાદરી (રહે.ભુમી નગર માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદોના ભાઇ તથા આરોપીના ભાઇને ભાગીદારીમાં દુકાન હતી. જે દુકાનના ભાગમાથી છુટા થયેલ હોય જે બાબતનુ મનદુખ આરોપીએ રાખેલ હોય જેના કારણે આ આરોપીએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુથી માર મારી છરી વડે મારવાની કોશીષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામાપક્ષે ફરિયાદી ભાવેશભાઇ ચંદુભાઇ ખંઢેરા (ઉ.વ.૨૬ રહે.માણાવદર બહારપરા અનુજાતિ વાસ) એ આરોપી અબાનાસર લાજી (રહે.માણાવદર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી તથા ફરીયાદીના મિત્ર નિશાર ઉર્ફે બાપુડીને ઝગડો થયેલ હોય અને અગાઉનુ મનદુખ હોય અને ફરીયાદી પોતાના મિત્ર નિશાર ઉર્ફે બાપુડી સાથે ફરતા હોય જે બાબતનુ આરોપીએ મનદુખ રાખી ફરીયાદીને ગાળો આપી બે ઝાપટ મારી જ્ઞાતી પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે.