જૂનાગઢ જિલ્લામાં સીએચસી, પીએચસી દ્વારા પ્રસુતાઓ માટે શ્રેષ્ઠ કામગીરી

માત્ર ૯ મહિનામાં કુલ ૨૪૦૭ મહિલાઓની સફળ ડિલીવરી કરાવવામાં આવી ; માળિયા તાલુકાના પીએચસીમાં સૌથી વધુ ૯૪ ડિલીવરી થઇ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના સીએચસી, પીએચસી મહિલાઓની ડિલીવરીમાં અવ્વલ છે. સીએચસી, પીએચસી સ્ટાફ દ્વારા માત્ર ૯ મહિનામાં કુલ ૨૪૦૭ મહિલાઓની સફળ ડિલીવરી કરાવવામાં આવી છે. જિલ્લામાં સીએચસી, પીએચસી થકી અંતરિયાળ ગામડાની સગર્ભા મહિલાઓને શહેરની હોસ્પિટલના ધક્કા થતા નથી અને નજીકમાં જ સીએચસી, પીએચસીમાં સફળ ડિલીવરી થાય છે. આમ જૂનાગઢ જિલ્લાના સીએચસી, પીએચસી સગર્ભા મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે.

આરોગ્ય સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવે છે. લોકોને આરોગ્યની સારવાર લેવા માટે મોટા શહેરના ધક્કા ન ખાવા પડે તે માટે નાના શહેરો અને ગામડાઓમાં સીએચસી, પીએચસી સેન્ટરો શરૂ કરવામાં આવે છે. આ સીએચસી, પીએચસી થકી લોકોને આરોગ્ય સારવાર મળી રહે છે. જેના કારણે મૃત્યદરમાં પણ ઘટાડો થવા સાથે અંતરિયાળ ગામડાના લોકોને પણ નજીકના પીએચસીમાં આરોગ્ય સારવાર મળી રહે છે. જેમાં શહેરની મોટી હોસ્પિટલમાં મળતી સારવાર પણ સીએચસી, પીએચસીમાં મળી રહે છે. ખાસ કરીને સીએચસી, પીએચસી મહિલાની ડિલીવરીમાં અવ્વલ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના સીએચસી, પીએચસીના સ્ટાફની અથાગ મહેનતથી મહિલાઓની સફળ ડિલીવરી આશીર્વાદ રૂપ બને છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ઇએમઓ ડો.શીલ્પા જાવિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૯ સીએચસી અને ૩૯ પીએચસી કાર્યરત છે. આ જિલ્લાના સીએચસી, પીએચસી મહિલા ડિલીવરી માટે અવ્વલ છે. આરોગ્ય સ્ટાફના પ્રયાસોથી સગર્ભા મહિલાઓની સફળ ડિવીલરી થઇ રહી છે. જેમાં એપ્રિલ થી ડિસેમ્બર મહિના સુધી કુલ ૨૪૦૭ મહિલાઓની સફળ ડિલીવરી સીએચસી, પીએચસીમાં કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, ભેંસાણ, માંગરોળ, મેંદરડા, વિસાવદર, વંથલી, માણાવદર, માળિયા તાલુકામાં સીએચસી આવેલા છે. જ્યારે જિલ્લામાં ૩૯ પીએચસી આવેલા છે. જેમાં ભેંસાણમાં ચુડા, મેદપરા અને રાણપુર, જૂનાગઢમાં બગડુ, ડુંગરપુર, ખડિયા, મજેવડી અને વડાલ, કેશોદમાં અજાબ, બાલાગામ, કેવદ્વા અને મેસવાણ, માળિયામાં અમરાપુર, ભંડુરી, ગડુ, જુથળ, ખોરાસા અને કુકસવાડા, માણાવદરમાં બાંટવા, લીંબુડા, નાકરા અને સરદારગઢ, માંગરોળમાં બગસરા, કંકણા, મેખડી અને શીલ, મેંદરડામાં દાત્રાણા, ડેડકિયા અને સાસણ, વંથલીમાં કણજા, શાપુર અને થાણાપીપળી તેમજ વિસાવદરમાં બરડિયા, ભાલગામ, કાલસારી, મોટા કોટડા અને મોટી મોણપરી ખાતે પીએચસી કાર્યરત છે, જ્યા માત્ર ૯ માસમાં ૩૯૨ મહિલાની સફળ ડિલીવરી કરાવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના ૩૯ પીએચસીમાં કુલ ૩૯૨ મહિલાની ડિલીવરી થઇ છે. જેમાં માળિયા તાલુકાના હેઠળ આવતા અમરાપુર, ભંડુરી, ગડુ, જુથળ, ખોરાસા અને કુકસવાડા પીએચસીમાં કુલ ૯૪ મહિલાઓની ડિલીવરી થઇ છે. જૂનાગઢ જિલ્લાના પીએચસીમાં મહિલા ડિલીવરીની સંખ્યા જોઈએ તો
ભેંસાણમાં ૩૯, જૂનાગઢમાં ૬૫, કેશોદમાં ૪૭, માળિયામાં ૯૪, માણાવદરમાં ૫૮, માંગરોળમાં ૨૫, મેંદરડામાં ૧૫, વંથલીમાં ૫ અને વિસાવદરમાં ૪૪ મહિલાઓની ડિલીવરી કરાઇ છે.

સામાન્ય રીતે અંતરિયાળ ગામડાઓમાં સગર્ભા મહિલાઓને હોસ્પિટલે લઇ જવા માટે વાહનની પણ સુવિધા ન હોય અને આજુબાજુમાં હોસ્પિટલ પણ ન હોવાને કારણે સગર્ભા મહિલાનું મૃત્યુ થતું પરંતુ સરકારશ્રી દ્વારા લોકોની સુખાકારી માટે આરોગ્યની સુવિધામાં વધારો કરી ઇમર્જન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા સાથો સાથ નજીકમાં જ સીએચસી, પીએચસી ઉભા કરી દીધા છે. આથી સગર્ભા મહિલાઓને ડિલીવરી માટે તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખાતે લઇ જઇ શકીએ છીએ.