જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં સ્ટાફ ઉપર હુમલો કરનાર ત્રણ ઝડપાયા

ચાર લુખ્ખાઓએ હોટેલમાં ઘુસી હંગામો મચાવી સ્ટાફને માર મર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર્યવાહી કરી, એક આરોપી તરુણ હોય કાયદાના સંઘર્ષમાં આવ્યો

જૂનાગઢ :જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં કામ કરતા રાજસ્થાનના કારીગરો સાથે ચાર અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે માથાકૂટ કરીને હલ્લો મચાવ્યો હતો. તેમજ ચાર અજાણ્યા શખ્સોએ રાજસ્થાનના કારીગરોને માથા ઉપર ઝાડના કુંડા ફટકાર્યા હતા. આ બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને હાલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

જુનાગઢની પટેલ રેસ્ટોરન્ટમાં બે દિવસ પહેલા થયેલી માથાકૂટ અંગે કારીગર છતરસિંગ હુકમસિંગ વરાત (ઉ.વ.૨૫ રહે.મજેવડી ગેઇટની બાજુમા, ભારત પેટ્રોલપંપની સામેની બાજુમા,કબ્રસ્તાન પાસે જુનાગઢ, મુળ ગામ રાજ સમંથ ગામ, રાજસ્થાન) એ ચાર અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી તથા સાહેદની સામે બોલાચાલી કરી ઝગડો કરી ફરીયાદીને તથા તેના સાહેદોને માર મારી ફરીયાદીના માથામા ઝાડના કુંડા મારી લોહી નિકાળી ઇજા કરી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જો કે, આ બનાવ હોટેલના સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેમાં ચાર લુખ્ખાઓ રીતસર લુખ્ખાગીરી ઉપર ઉતરી આવી હોટેલના સ્ટાફને વિનાકારણે માર મારી આંતક મચાવ્યો હતો. આ બી ડિવિજનમાં આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ પીઆઇ આર.એસ.પટેલની સૂચનાને પગલે ડિવિઝન પોલીસે હોટેલના સીસીટીવી કેમેરા ચેક ફરી તેના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવીને હાલ ચારમાંથી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ ત્રણેયને કાયદાનું ભાન કરાવી અન્ય એક આરોપી તરુણ હોય કાયદાના સંઘર્ષમાં આવતા નિયમ મુજબ કાર્યવાહી કરી હતી.