નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાના પ્રથમ દિવસે ત્રણ કોપીકેસ

અનુસ્નાતક કક્ષા ઉપરાંત એલએલ.બી. અને બી.એડ્.ની પરીક્ષાનો પ્રારંભ

પરીક્ષાના પ્રથમ દિવસે ૯૭ ટકા વિદ્યાર્થીઓ હાજર

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા કોરોના મહામારીને અનુલક્ષીને તથા સરકારની ગાઈડલાઈન્સ મુજબ આજરોજ વિવિધ ૨૧ કેન્દ્રો ઉપર ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો હતો, જેમાં ૯૭ ટકા જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. જો કે નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષાના પ્રથમ દિવસે ત્રણ કોપીકેસ થયા હતા.

નરસિંહ મહેતા યુનિવર્સિટીના એમ.એ., એમ.એ. (હોમ સાયન્સ), એમ.કોમ., એમ.એસસી., એમ.એસસી.(હોમ સાયન્સ), એમ.એસસી.(આઈ.ટી. એન્ડ સી.એ.), એમ.એસ.ડબલ્યુ., એમ.આર.એસ., પીજીડીસીએ, એલએલ.એમ., એલએલ.બી., બી.એડ. તથા એમ.એડ.ની પરીક્ષામાં કુલ ૭૬૩૩ વિદ્યાર્થીઓમાંથી ૨૨૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.પ્રથમ દિવસના અંતે ઉના, વેરાવળ તથા જૂનાગઢ ખાતે એક એક મળીને કુલ ત્રણ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં એલએલ.એમ.ની પરીક્ષામાં એક તથા એમ.કોમ.ની પરીક્ષામાં બે કોપીકેસ નોંધાયા હતાં.

વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોવીડ ગાઈડલાઈન્સ જેવી કે માસ્ક પહેરવું, સેનીટાઈઝરનો ઉપયોગ, સોશ્યલ ડીસ્ટન્સીંગ, ટેમ્પરેચર ચેક કરવા થર્મલ ગનનો ઉપયોગ સહિતના નિયમોનું દરેક કેન્દ્ર ઉપર ચુસ્ત રીતે પાલન થાય છે કે નહિ તે બાબતે યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદી દ્વારા સતત માહિતી મેળવવામાં આવી રહી હતી.