જૂનાગઢમાં પંચાયત તથા RTIના કેસોમાં વિડિઓ કોન્ફરન્સ મારફત સુનાવણીનો નવતર પ્રયોગ

અરજદારોને જિલ્લા મથકે કચેરીના ધક્કામાંથી મુક્તી મળી

જૂનાગઢ : ડીજીટલ ગુજરાતના હેતુને સર કરવાને અનુલક્ષીને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ દ્વારા આગવી પહેલ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ચાલતા પંચાયત ધારાની કલમ-૫૭(૧), આર.ટીઆઇ.ના કેસો તથા વિવિઘ જિલ્લા કક્ષાએ ચાલતી સુનાવણીમાં અરજદારને હાલાકી ભોગવવી ન પડે તેમજ જિલ્લા મથકે આવવા ધકકો ના પડે જેથી અરજદારને સમયની બચત થાય તથા હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં સુરક્ષિત રહે તે હેતુથી અરજદાર ઇ-ગ્રામ સેન્ટર મારફત ઓનલાઇન સુનાવણી રાખવાનો નવતર પહેલ કરવામાં આવેલ છે.

જેમાં અરજદાર ઇ-ગ્રામ સેન્ટર મારફત જોડાઇ સુનાવણીમાં જે તે ગામેથી જ હાજર રહી શકશે. ભવિષ્યમાં આ સેવાથી ઇ-ગ્રામ સેન્ટર ગ્રામ્યકક્ષાએ એક સેન્ટ્રલ(Central)નોડલ પોઇન્ટ તરીકે ઉભરશે. જયાંથી ગ્રામજનોને બધી સુવિધાઓ તેમજ તમામ ડીજીટલ સેવાઓ ઉપલબ્ઘ થઇ શકશે તેમજ વી.સી.ઇ.(V.C.E.) કક્ષાએ એક કાયમી રોજગારનું માળખુ તેમજ તક ઉભી થશે.