જૂનાગઢ જેલ કે મોબાઈલ શોપ, બે મોબાઈલ અને રાઉટર મળ્યા

રાજ્યના જેલ વડાની સ્કવોર્ડ દ્વારા જેલમાં કથિત બર્થડે પાર્ટી મામલે ઓચિંતા ચેકિંગમાં વાંધાજનક વસ્તુઓ મળતા અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા જેલમાં બર્થ ડે પાર્ટી ઉજવણીનો મામલો ગરમાયો છે. કથિત જેલમાં બર્થ ડે પાર્ટી મામલે આજે સવારથી રાજ્યના જેલ વડાની સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. તે દરમિયાન જેલમાંથી બે મોબાઈલ અને રાઉટર મળ્યા હતા. આથી વાંધાજનક વસ્તુઓ મળતા અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા બર્થ ડે પાર્ટી ઉજવવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમાચાર માધ્યમોમાં આ બાબતના અહેવાલો પ્રસિદ્ધ થતા જેલ તંત્રને વિડીયો જૂનો હોવાનું સ્પષ્ટતા કરવી પડી હતી. બીજી તરફ રાજ્યના જેલ વડાની સ્ક્વોડ દ્વારા સવારથી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેલ ડીજીપીનક સાતથી આઠ અધિકારીઓ દ્વારા જૂનાગઢ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન જૂનાગઢ જિલ્લા જેલમાં જેલ વડાની સ્કોડની તપાસમાં વાંધાજનક વસ્તુ મળી આવી હતી. જેમાં બે મોબાઈલ અને એક રાઉટર મળી આવ્યા છે. તપાસ દરમિયાન એક કીપેડ વાળો મોબાઈલ અને રાઉટર પાણીની ટાકી નીચે છુપાવ્યો અને બીજો કિપેડ વાળો મોબાઈલ કચરાપેટીમાંથી મળી આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જો કે, સતત બે દિવસની તપાસના અંતે માત્ર બે મોબાઇલ મળતા અનેક શંકાઓ જન્મી છે અને જેલના કેદીઓ દ્વારા વાપરવામાં આવતા એન્ડ્રોઇડ મોબાઈલ સગેવગે થયા હોવાની ચર્ચા થઈ રહી છે. હાલ તો જેલમાં વાંધાજનક વસ્તુ મળવા મામલે ડી.જી. સ્કોર્ડના જેલર દેવસી કરંગીયા દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.