માણાવદરમાં ૩૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત ત્રણ બુટલેગર પોલીસની પકડથી દૂર, પોલીસે વિદેશી દારૂ, કાર સહિત કુલ રૂ.૩,૪૨,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢ : માણાવદરના રધુવીરપરા પાસેથી ગઈકાલે પોલીસે બાતમીના આધારે ૩૩૬ બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કારને પકડી પાડી હતી. સાથેસાથે દારૂની ડિલિવરી કરવા આવેલા બે શખ્સોને પણ ઉપાડી લીધા હતા. જો કે આ દારૂની હેરાફેરીમાં દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત ત્રણ બુટલેગર પોલીસની પકડથી હજુ દૂર છે. હાલ પોલીસે વિદેશી દારૂ, કાર સહિત કુલ રૂ.૩,૪૨,૪૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

માણાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે વિદેશી દારૂ ભરેલી ઇનોવા ફોરવ્હીલ ગાડી રવની ગામ પાસે રોડ ઉપર આપી માણાવદર ખાતે આવી રહી હોવાની બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી. પોલીસે રેઇડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ.૨૮ બોટલ નં.૩૩૬ કિ.રૂ.૧૩૪૪૦૦ તથા રોકડા રૂ.૩૦૦૦ તથા મો.ફો.-૧ કિ.રૂ.૫,૦૦૦ તથા ફોરવ્હીલ ઇનોવા કિ.રૂ.૨૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૪૨,૪૦૦/- નો મુદામાલ સાથે આરોપીઓ અલારખા ઇસ્માઇલભાઇ પલેજા (ઉ.વ. ૫૫ રહે.રધુવીરપરા માણાવદર), કિરીટભાઇ ભુપતભાઇ ડાભી (ઉ.વ. ૨૨ રહે.રવની તા.વંથલી) ને ઝડપી લીધા હતા.જ્યારે હાજર નહી મળી આવેલ આરોપીઓ સાજીદ ઉર્ફે દડી અલારખા પલેજા (રહે. માણાવદર રધુવીરપરા) સલીમ હબીબ સાંધ (રહે. રવની તા. વંથલી), એક અજાણ્યો ઇસમ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.