સ્વાધીનતા સંગ્રામમાં સંતોનું યોગદાન : ઈતિહાસ વિભાગ દ્વારા પુસ્તકો લખવાના ભગીરથ કાર્યની શરૂઆત

ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં યોગદાનને બીરદાવાયું

જૂનાગઢ: ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.(ડૉ). ચેતન ત્રિવેદીનાં નેતૃત્વ હેઠળ જુનાગઢના સ્વાધીનતા સંગ્રામમાં સંતોના વિશિષ્ટ યોગદાનને ઉજાગર કરાશે. ઈતિહાસ વિભાગ નવો “ઈતિહાસ” કંડારશે
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષથી સ્વાધીનતા સંગ્રામમાં સંતોના યોગદાન પર સંશોધન થઇ રહ્યું છે.આ અનુસંધાને વેબિનાર-સેમીનાર-વર્કશોપના આયોજનો કરવામાં આવે છે.

હાલ સ્વાધીનતા અમૃત પર્વ ઉજવાઈ રહ્યું હોય ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીના નેતૃત્વમાં ઈતિહાસ વિભાગ દ્વારા સ્વાધીનતા સંગ્રામમાં સંતોના યોગદાન સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી એક દિવસીય રાજ્યકક્ષાનો વેબિનાર “સોરઠના સંતોનું સાહિત્ય અને ઇતિહાસમાં યોગદાન” વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ, ગુજરાત અને ઈતિહાસ વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સયુકત ઉપક્રમે “સ્વાતંત્ર્ય સંગ્રામમેં સૌરાષ્ટ્ર કે સંતો કે યોગદાન” વિષય પર પણ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહંતશ્રી શેરનાથ બાપુ, અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના, દિલ્હીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડૉ.બાલમુકુંદપાંડે, અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના, દિલ્હીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ગીરીશભાઈ ઠાકર, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ, ગુજરાતના મંત્રી હસમુખભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢના સ્વાધીનતા સંગ્રામમાં પરોક્ષ કે પ્રત્યેક્ષ રીતે અનેક નામી-અનામી સંતોનું યોગદાન રહેલું છે. જેમાં હવેલીના મુખ્યા ગોસ્વામી પુરુષોત્તમલાલજી મહારાજ, મયારામદાસ બાપુ, આલીધ્રાના બ્રહમચારી બાપુ, સંત ડાયારામબાપુ, મહંત વિજયદાસ બાપુ, સાધુ મોતીગર બાપુ જેવા પ્રસિધ્ધ સંતોનું સ્વાધીનતા સંગ્રામમાં વિશિષ્ટ યોગદાન રહેલું છે. જુનાગઢના સ્વાધીનતા સંગ્રામમાં સંતોના આ વિશિષ્ટ યોગદાનને ઉજાગર કરવાના હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ ભાઈ પંડ્યા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ વિશાલ ભાઈ જોશી, ડૉ.રમેશ ચૌહાણ અને શ્રી લલિત પરમારને સાહિત્ય અકાદમી તરફથી પુસ્તકો લખવાનું ભગીરથ કાર્ય સોપવામાં આવ્યું છે.

અખિલ ભારતીય ઈતિહાસ સંકલન યોજના,દિલ્હીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડૉ. બાલમુકુંદ પાંડે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ગીરીશભાઈ ઠાકર, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ,ગુજરાતના અધ્યક્ષ ડૉ.અંબાદાન રોહડિયા અને મંત્રી હસમુખભાઈ જોશીએ આ કાર્યની નોધ લઇ શુભેચ્છાઓ પાઠવી હતી. ઈતિહાસ ભવનના અધ્યાપકો દ્વારા જૂનાગઢનાં ઇતિહાસના આ વણલખાયેલા પ્રકરણને ઉજાગર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. અધ્યાપકો દ્વારા આગામી ટૂંક સમયમાં જ આ સંતો પરના પુસ્તકો પ્રકાશિત થવા જઈ રહ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થઇ રહેલા આ પુસ્તકો સ્વાધીનતા સંગ્રામમાં નવો પ્રકાશ પાડશે તેમજ ભાવી પેઢી માટે ખુબ ઉપયોગી નીવડશે.

An illustration of a cartoon pencil writing in a book