ડોર ટુ ડોર વાહનના કોન્ટ્રાક્ટર સામે ભાજપના કોર્પોરેટર લાલઘુમ

ડોર ટુ ડોર વાહનો બંધ થઇ જતા ભાજપના કોર્પોરેટર કમિશનરને રજૂઆત

જૂનાગઢ : જૂનાગઢમાં ડોર ટુ ડોર કચરા કલેકશનમાં ધાંધિયા થવાથી ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર લાલઘુમ થઈ ગયા છે. ડોર ટુ ડોર વાહનો બંધ થઇ જતા લોકોને ભારે હાલાકી પડતી હોવાનું જણાવી ડોર ટુ ડોર વાહનના કોન્ટ્રાક્ટર સામેં ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.

જૂનાગઢના વોર્ડ નં 1ના ભાજપના કોર્પોરેટર અશોક ચાવડાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે, જુનાગઢ મહાનગરમાં ડોર ટુ ડોર કલેકશન કરવામાં આવે છે. જે કામગીરીમાં જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કચરો કલેકશન કરવા માટે કંપનીને વાહન ફાળવવામાં આવેલ છે. જે કંપની ઘ્વારા વાહનોમાં સર્વિસ કરવામાં આવતી નથી. તેમજ ચારેય બાજુથી ગાડી ભાંગી ગયેલ હોય, તેમજ ડિઝલના ઢાંકણા પણ નથી હોતા.

સર્વિસ પણ કરવામાં આવતી નથી. જેથી ગાડીઓ રોડ પર બંધ પડી જાય છે. જે નિયમોનુસાર કંપનીને મહાનગરપાલિકા ધ્વારા ગાડી આપવામાં આવેલ હતી. તે પરિસ્થિતિમાં હાલ એક પણ ગાડી નથી અને તમામ ગાડીની કન્ડીશન સાવ નબળી કરી દેવામાં આવેલ છે. તો આ અંગે ચકાસણી કરી અને વાહનોની કન્ડીશન સુધારવા તેમજ કંપનીને આ અંગે યોગ્ય સુચના આપવા યોગ્ય કાર્યવાહી કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.