જૂનાગઢ જેલમાં બર્થડે પાર્ટીનો વિડીયો ફેબ્રિકેટેડ હોવાની જેલ તંત્રની સ્પષ્ટતા

જૂનાગઢ : જૂનાગઢ જેલમાં કેદી દ્વારા બર્થડે પાર્ટી ઉજવવમાં આવી હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને સમાચાર અંગે જેલ તંત્ર દ્વારા આ વીડિયોને ફેબ્રિકેટેડ ગણાવી વીડિયોમાં દેખાતો એક કેદી ડિસેમ્બર 2021માં મુક્ત થઈ ગયો હોવાની સ્પષ્ટતા કરી છે.

જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે કેક કાપવા અંગેનો કથિત વિડીયો વાયરલ થવા અંગે જેલ સત્તાધીશો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વીડિયોમાં જે કાચા કામના આરોપીઓને બર્થ-ડે કેક કાપતા દર્શાવવામાં આવેલ છે, જે પૈકી એક કાચા કામના આરોપી લખનભાઈ મેરૂભાઈ ચાવડા પ્રોહિબિશનની કલમ -૬૫(ઈ) ૯૮(૨) ૧૧૬(બી) ના કામે તા.૨૪/૦૯/૨૦૨૧ ના રોજ જુનાગઢ જીલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી તરીકે દાખલ થયેલ, જે મજકુર આરોપીને નામ. કોર્ટના હુકમ મુજબ તા.૨૨/૧૨/૨૦૨૧ ના રોજ જામીન થતા જેલ મુક્ત કરવામાં આવેલ છે, જેથી કથિત વાયરલ થયેલ વિડીયો તાજેતરનો ન હોવાનું જણાવ્યું છે.

જ્યારે અન્ય બીજા દેખાડવામાં આવેલ કાચા કામના આરોપી નામે યુવરાજભાઈ પ્રતાપભાઈ માંજરીયા કે, જેઓ હાલ જુનાગઢ જીલ્લા જેલમાં છે.વિશેષમાં કાચા કામના આરોપી લખનભાઈ મેરૂભાઈ ચાવડાનાઓ તા.૨૨/૧૨/૨૦૨૧ના રોજ નામદાર કોર્ટના હુકમથી જામીન મુક્ત થયેલ હોઈ, સદર કથિત વાઈરલ વિડીયો ફેબ્રીકેટેડ હોવાનું નકારી શકાય તેમ ન હોવાનું જણાવી પ્રસાર માધ્યમોમાં પ્રસારીત કરવામાં આવેલ સમાચાર સત્યથી વેગળા ગણાવ્યા હતા.