જેલ કે ફાર્મહાઉસ ? જૂનાગઢ જેલમાં કેદીઓએ ઠાઠથી ઉજવી બર્થ ડે પાર્ટી

જેલની અંદર બર્થ ડે પાર્ટીનો વીડિયો વાયરલ થતા જેલના કડક અનુશાસનના ધજાગરા ઉડયા, બર્થ ડે કેક ઉપર ગન અને બિયરના ફોટો

જૂનાગઢ : જૂનાગઢની જેલ અમુક વગદાર કેદીઓ માટે ઘર કે ફાર્મહાઉસ બની હોય એવી સ્થિતિ સામે આવી છે. જેમાં જૂનાગઢની જેલમાં કેદીઓ ઠાઠમાઠથી બર્થડે પાર્ટી મનાવતા હોવાનો વીડિયો વાયરલ થતા જેલના કડક નિયમોના ધજાગરા થયા છે.બર્થ ડે કેક ઉપર ગન અને બિયર પણ જોવા મળતા જેલના સત્તાધીશોની ફરજનિષ્ઠા સામે સવાલ ઉઠ્યા છે.

જૂનાગઢ જેલમાં અમુક માલેતુજાર કેદીઓને વૈભવી સુખ સગવડો મળતી હોવાનો તાજેતરમાં ઈન્સ્ટાગ્રામમાં સ્ટોરીઓ પોસ્ટ થયેલા વીડિયોમાં બહાર આવ્યું છે. આ વીડિયો જૂનાગઢ જેલનો હોવાનું તારણ છે. જેમાં વીડિયોમાં જુનાગઢ જેલમાં અમુક કેદીઓ બર્થ ડે પાર્ટી મનાવતા હોવાનું સ્પષ્ટ દેખાઈ છે. આથી જૂનાગઢ જેલમાં નિયમોના લીરેલીરા ઉડયા છે. આ વીડિયોથી જૂનાગઢ જેલ કેદીઓ માટે સ્વર્ગ બની હોવાનું માલુમ પડે છે. જુનાગઢ જેલના વાયરલ થયેલા વીડિયોથી જેલમાં બેરોકટોક ઠાઠમાઠ સાથે બર્થ-ડે પાર્ટીઓ ઉજવાતી હોવાનું સામે આવ્યું છે.

જેલમાં કેદીઓએ ધામધૂમપૂર્વક જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે, જૂનાગઢ જેલની અંદરથી કેદીઓ બર્થડે પાર્ટી સાથે ફટાકડાઓ ફોડતા હોવા છતાં જેલના સ્ટાફને આ વાતની ગંધ કેમ ન આવી ? શુ જેલ સ્ટાફના છુપા આશીર્વાદથી આવા ખેલ થાય છે ? તેવા વેધક સવાલ ઉઠ્યા છે. એટલું જ નહીં બર્થ-ડે કેક પર ગન અને બિયરના ફોટાઓ પણ જોવા મળ્યા છે. તેમજ બર્થ-ડે પાર્ટી માટે બહારથી કેટલાક લોકો પણ જેલની અંદર પ્રવેશ્યા હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે જેલમાં આ બર્થડે પાર્ટી જાન્યુઆરી મહિનામાં થઈ હોવાનું અનુમાન છે. જૂનાગઢ જિલ્લા જેલનો વિડીયો હોવાનું હાલ અનુમાન છે અને સોશિયલ મીડિયામાં જુનાગઢ જેલના નામથી વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ છે.